Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

ફૂલથી કોમળ, વજ્રથી કઠોર ભગવાન શ્રીરામ

lord_rama_ramayana_hinduશિવજીએ માતા પાર્વતીજીને ‘શ્રીરામ’નો મંત્ર હોઠ પર રાખવાનું કહ્યું. શ્રીરામના મંત્રે રામબોલાને સંત તુલસીદાસ અને વાલિયા લૂટારાને વાલ્મીકિ ઋષિ બનાવ્યા છે

જ્યારે જ્યારે માનવની શ્રદ્ધા સરી જાય છે, રાક્ષસી સંસ્કૃતિનો ઉદય થાય છે, લોકો ધર્મ છોડી અધર્મના માર્ગે જાય છે ત્યારે ધર્મની જાગૃતિ કરવા પરમાત્મા પોતે અવતાર ધારણ કરે છે.

તુલસીદાસે કહ્યું છે, ‘આ જગતમાં રામ સિવાય બીજું કંઇ પણ નથી. સર્વ મનુષ્યોમાં જો રામ જોતા શીખી જવાય તો જગતમાં કલેશ જેવું કાંઇ પણ રહેવા પામે નહીં.’

જે દિવસે ભગવાન વિષ્ણુએ રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં શ્રીરામ તરીકે અવતાર ધારણ કર્યોતે દિવસ ‘રામનવમી’ જે દર વર્ષે ઊજવવામાં આવે છે. જે મર્યાદા પુરુષોત્તમ તરીકે માનવજાતમાં આદર્શરૂપ મનાયા છે. તેઓ આદર્શ પુત્ર, ભાઇ, પતિ અને રાજા તરીકે પૂજાયા છે અને દરેક પરિસ્થિતિમાં તેમનો વ્યવહાર શુદ્ધ અને પ્રામાણિક રહ્યો છે.

શ્રીરામના જન્મના તેરમા દિવસે મુનિ વશિષ્ઠે દશરથના પુત્રોનાં નામ પાડવાનો નિર્ણય કર્યો. જે વિષ્ણુના અવતારરૂપ છે તેનું નામ ‘રામ’ પાડયું. રામ પછી જે બાળકનો પ્રસવ થયો તેનું નામ ‘ભરત’ રાખ્યું. જે બાળક રાક્ષસોના નાશ કરનાર છે તેનું નામ ‘લક્ષ્મણ’ રાખ્યું અને ચોથો પુત્ર જે દુશ્મનોને દૂર કરશે તેનું ‘શત્રુધ્ન’ પાડયું.

રાજયાભિષેક વખતે ગુરુ વશિષ્ઠે રામને વનવાસ જવાનો પિતા દશરથનો નિર્ણય સંભળાવ્યો ત્યારે જરાપણ વાંધો ઉઠાવ્યા વિના સ્વસ્થ ચિત્તે વનવાસ જવા માટે તૈયાર થઇ ગયા. રાજા દશરથનો સ્વર્ગવાસ થયો. ત્યાંથી રામ વાલ્મીકિ મુનિના આશ્રમે ગયા અને રહેવાની વ્યવસ્થા કરવા સૂચન માગ્યું, પછી વાલ્મીકિ મુનિએ જે ઉપદેશ આપ્યો તેણે માનવજાતના ઇતિહાસમાં પ્રકાશ પાથર્યો છે.

મુનિએ કહ્યું, ‘હે રામ’ જેની ‘આંખો’ સતત તને શોધી રહી છે. જેઓના ‘કાન’ તમારી આદર્શવાણી સાંભળવા તત્પર છે. જેઓના ‘હાથ’ તમારી પૂજા કરવા તલસી રહ્યા છે. જેઓના ‘પગ’ તમારાં દર્શન માટે પડાપડી કરે છે. જેઓની ‘ભૂખ’ તમને જમાડ્યા પછી સંતોષાય છે.

જ્યાં લોકો ઋષિઓને માન આપે છે, તમારા પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ છે, સીતાજી અને લક્ષ્મણને સાથે રાખી તમારા નામનું શ્રદ્ધાથી સ્મરણ કરે છે અને તમારા પ્રત્યે પણ પ્રેમ રાખે છે, તેવાં પવિત્ર હૃદયો તમારા મંદિર સમાન છે, અને ત્યાં જ તમારો વાસ કરો, એવી જગ્યાએ રહો જ્યાં લાલસા, અભિમાન, ધિક્કાર ન હોય, જ્યાં કોઇને કોઇ પણ વેરભાવ ન હોય, બીજાનું દુ:ખ જોઇ તેને સહાય કરવા તત્પર રહે અને જેના હૃદયમાં હંમેશાં કરુણા વહે ત્યાં તમારો વાસ છે.’ પછી તો ‘રામકથા’ ન જાણતો હોય તેવો કોઇ ભારતીય નહીં હોય.

એક વખત શિવજીએ માતા પાર્વતીને વિષ્ણુ સહસ્ત્રનામના જાપ (એક હજાર નામ) સંભળાવ્યા ત્યારે પાર્વતીએ કહ્યું કે આ નામો તો ઘણાં છે, તો એક નાનો મંત્ર આપો, ત્યારે શિવજીએ તેમને ‘શ્રીરામ’નો મંત્ર હોઠ પર રાખવાનું કહ્યું. આ શકિતશાળી મંત્રે ‘રામબોલા’માંથી સંત તુલસીદાસ અને ડાકુ વાલિયાને વાલ્મીકિ બનાવ્યા છે.

જ્યારે યુદ્ધમાં લક્ષ્મણે રાવણના પુત્ર મેઘનાથને માર્યો ત્યારે તેની પત્ની સુલોચનાને સસરા રાવણે કહ્યું કે, ‘સુલોચના, તું જા અને તારા પતિનું શબ લઇ આવ.’ આ સાંભળી રાજયના અધિકારીઓએ ત્યાં જવાનું ઉચિત નથી તેમ સમજાવવા લાગ્યા. ત્યારે રાવણે ત્રાડ નાખી કહ્યું કે ‘હું મારી પુત્રવધૂને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પાસે મોકલું છું. પારકી સ્ત્રી પર કુદ્રષ્ટિ કરવી એ રામનું કામ નહીં, એ તો રાવણ જ કરી શકે.’

આમ શ્રીરામના દુશ્મનો પણ તેમના પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા હતા. મુનિ વાલ્મીકિએ શ્રીરામને દૈવીશકિત ધરાવતા એક રાજવી કહ્યા છે. તુલસીદાસે શ્રીરામને ભગવાન વિષ્ણુના અવતાર ગણાવ્યા છે. રામાયણની શરૂઆતમાં મુનિ વાલ્મીકિએ આગાહી કરી છે કે ‘જયાં સુધી પૃથ્વી પર પર્વતો અને નદીઓ છે ત્યાં સુધી ‘રામાયણ’ અમર રહેશે.’

રામાયણનાં બધાં પાત્રો લક્ષ્મણ, ભરત, હનુમાન, સીતા આદર્શ ‘ત્યાગમૂર્તિ’ઓ છે. વિભીષણ ભાતૃપ્રેમને તરછોડી રામભકત થયો. શબરીની પ્રતીક્ષા, જટાયુનું બલિદાન, પશુ-પક્ષીઓ,વાંદરા, રીંછો આમ દરેક પાત્રો રામના આશીર્વાદ લેવા થનગની રહ્યાં છે. વચનનું પાલન કરવાનું, શરણાગતોનું રક્ષણ કરવાનું, પ્રજાને સંતુષ્ટ કરવાનું અને તે માટે સર્વસ્થને ત્યાગ કરવાનું આકરું વ્રત લેનાર એ રાજવીઓનો રાજવી ‘શ્રીરામ’ શ્રેષ્ઠ છે.

રામ એટલે ધર્મની મર્યાદા પાળવાના તીવ્ર આગ્રહી. જયાં સત્ય, ધર્મ, લજજા અને સરળતા છે ત્યાં શ્રીરામ રહે છે. જેના ડગલે ને પગલે મર્યાદા છે તેવા પવિત્ર સત્પુરુષનો આજે જન્મ છે. ફૂલથી કોમળ અને વજ્રથી કઠોર એવા દેવનો જન્મ છે. પત્નીવ્રતના આદર્શનો જન્મ છે અને તેથી જ આ મહામાનવ ઇશ્વરનો અવતાર છે. આજનો દિવસ તેમના સદ્ગુણોને યાદ કરી એકાદ સદ્ગુણ જીવનમાં ઉતારવાનો અને તેમાંથી પ્રેરણા મેળવવાનો આ દિવસ છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: