ગુજરાત તમામ મેચો યોજવા માટે તૈયાર, આઈપીએલ દેશ બહાર જાય તે શરમજનક : નરેન્દ્ર મોદી
૧૦મી એપ્રિલથી ૨૪ મે સુધીમાં દક્ષિણ આફ્રિકા અથવા ઈગ્લેન્ડમાં આયોજન થાય તેવી સંભાવના
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ સુરક્ષાના મામલે સરકાર અને બીસીસીઆઇ વચ્ચેની તકરારને કારણે આ વર્ષે ભારતમાં નહીં યોજવાની જાહેરાત આઈપીએલના સત્તાધિશો દ્વારા કરવામાં આવી છે.

બીજી બાજુ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈપીએલ દેશની બહાર યોજાય તેને કેન્દ્ર સરકાર માટે શરમજનક ગણાવતાં કહ્યું હતું કે ગુજરાત તમામ મેચો યોજવા માટે તૈયાર છે. આઈપીએલને ગુજરાતમાં સંપુર્ણ સુરક્ષા અને તમામ મદદ આપવાની પણ તેમણે જાહેરત કરી હતી અને ઉમેર્યુ હતું કે આઈપીએલ સહિત રમતના આયોજન કયાં કરવા તેનો નિર્ણય આતંકવાદીઓએ નહીં ભારતે કરવાનો હોય.
ભારતની બહાર આઈપીએલ યોજવાના નિર્ણય બાદ હવે ટૂર્નામેન્ટ ઈગ્લેન્ડ અથવા સાઉથ આફ્રિકામાં રમાશે. ૧૦મી એપ્રિલથી ૨૪મી મે સુધીનું આઈપીએલનું શિડયુલ યથાવત્ રહેશે અને સમય પણ ભારતીય સમય પ્રમાણે સાંજે ૪.૦૦ અને રાત્રે ૮.૦૦નો રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇપીએલના આયોજકોએ મળીને આ ટુર્નામેન્ટ અન્ય દેશમાં ખસેડવાનો રવિવારે નિર્ણય લીધો હતો.
લોકસભાની ચૂંટણીને કારણે આઇપીએલને પૂરતી સુરક્ષા પૂરી પાડવા અંગે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજય સરકારોએ અશકિત દર્શાવતાં બીસીસીઆઇએ રવિવારે તેની તાકીદની બેઠક બોલાવીને આઇપીએલને અન્ય દેશમાં યોજવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો. આ ટુર્નામેન્ટ હવે દસમી એપ્રિલથી ૨૪મી મે દરમિયાન ઇંગ્લેન્ડ અથવા સાઉથ આફ્રિકામાં યોજાશે. મોટા ભાગે ઇંગ્લેન્ડમાં આઇપીએલનું આયોજન થાય તેવી સંભાવના છે.
બીસીસીઆઇ અને આઇપીએલ દ્વારા ટુર્નામેન્ટના કાર્યક્રમ તથા સ્થળોમાં વારંવાર ફેરફાર કરાયા હતા પરંતુ સરકારને તેનાથી સંતોષ થયો ન હતો. લાહોરમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર થયેલા હુમલા બાદ ભારતમાં આઇપીએલનાં આયોજન અંગે ચિંતા વધી હતી.
અંદાજે દસ હજાર કરોડની આવક ધરાવતી આઇપીએલને તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ બનેલા બીસીસીઆઇએ રવિવારે ગૂગલી ફેંકયો હતો અને ટુર્નામેન્ટને જ ભારતમાંથી ખસેડી લીધી હતી.
કેન્દ્રીય કષિપ્રધાન શરદ પવારની હાજરીમાં યોજાયેલી બોર્ડની તાકીદની બેઠક બાદ બીસીસીઆઇના પ્રમુખ શશાંક મનોહરે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારનાં વલણને કારણે આઇપીએલને ભારત બહાર યોજવા માટે તેઓ મજબૂર બન્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર તૈયાર ન હતી અને તેમના આ વલણને કારણે અમારે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.
અમે અન્ય દેશો સાથે સતત સંપર્કમાં છીએ અને આઇપીએલના આગામી યજમાન અંગે બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાશે તેમ તેમણે ઉમેર્યું હતું.મનોહરે વધુમાં જણાવ્યું કે આ ટુર્નામેન્ટ અન્ય દેશમાં ખસેડવાનો નિર્ણય લેવા બદલ અમે દેશની પ્રજાની માફી માગીએ છીએ અને એ બદલ દિલગીર છીએ.
આપીએલના કમિશનર લલિત મોદી પણ પત્રકાર પરિષદમાં હાજર હતા અને તેમણે જણાવ્યું હતું કે આઇપીએલની મેચો, કાર્યક્રમ અને સમયમાં કોઇ ફેરફાર કરાશે નહીં. ટુર્નામેન્ટની લોકપ્રિયતાને અસર પડે નહીં તે રીતે તેનું આયોજન થશે. મેચની તારીખો અને સમયમાં પણ ફેરફાર કરાશે નહીં. ભારતમાં આ મેચો સાંજે ૪.૦૦ અને રાત્રે ૮.૦૦ કલાકે રમાતી હતી અને એ જ સમયે આ વખતે પણ રમાશે. આમ ઇંગ્લેન્ડ કે સાઉથ આફ્રિકામાં મેચનો પ્રારંભ ભારતીય સમય મુજબ સાંજે ચાર અથવા રાત્રે આઠ કલાકે થશે.
શશાંક મનોહરે આ પ્રસંગે વિવિધ રાજય સરકારોનાં વલણ અંગે પણ નારાજગી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રની રાજય સરકારોએ છેલ્લી ઘડીએ પલટી મારી દીધી હતી. આંધ્રપ્રદેશે અગાઉ મંજૂરી આપી હતી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને અમને પત્ર પાઠવ્યો હતો કે તેઓ ૧૩મી મે સુધી મેચો યોજી શકે તેમ નથી. મહારાષ્ટ્રમાં અમારે ૧૮ મેચો યોજવાની હતી.
મનોહરે ઉમેર્યું કે બીસીસીઆઇના અધિકારીઓ હવે આઇપીએલની આઠ ફ્રેન્ચાઇઝીઓ સાથે મંત્રણા કરી રહ્યા છે અને તેઓ નવા નિર્ણયને આવકારે છે. રવિવારની બેઠકમાં વિજય માલ્યા(બેંગલોર), નીતા અંબાણી(મુંબઇ) અને એન. શ્રીનિવાસન(ચેન્નાઇ) ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આ નિર્ણય સામે કોઇ વાંધો હોવાનું મને લાગતું નથી.
આઇપીએલનું આયોજન દસમી એપ્રિલથી ૨૪મી મે સુધી થવાનું હતું. બીસીસીઆઇના એક નિવેદન મુજબ આ સિવાય તેમની પાસે કોઇ તારીખો નથી, કેમકે એ સિવાય તમામ ખેલાડીઓ ઇન્ટરનેશનલ મેચોમાં વ્યસ્ત હોય છે.
કેન્દ્ર સરકાર અને કેટલીક રાજય સરકારો દ્વારા જયારે સુરક્ષાના મામલે હાથ અઘ્ધર કરી દેવાયા છે, ત્યારે ગુજરાતમાં આઇપીએલની મેચ રમાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તૈયારી દર્શાવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ ભારત બહાર જતી અટકાવવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ મેચ ગુજરાતમાં રમાડવા માટે તૈયારી દર્શાવી છે. એટલું જ નહીં સુરક્ષાની જવાબદારી લેવા પણ ગુજરાત તૈયાર હોવાનું જણાવ્યું છે. આઇપીએલની મેચ કયાં રમાય તેનો નિર્ણય આતંકવાદીઓ કેવી રીતે કરી શકે તેવો પ્રશ્ન ઉઠાવતાં મોદીએ ભાજપશાસતિ રાજયો મેચ રમાડવા માટે સક્ષમ હોવાનું જણાવ્યું છે.
ગુજરાતમાં આઇપીએલની મેચ રમાય તો તેનું સ્વાગત કરવામાં આવશે તેમ કહેતાં મોદીએ જણાવ્યું છે કે, આઇપીએલની મેચ ભારતમાં જ રમાવી જોઈએ અને આ માટે ગુજરાત તૈયાર છે. આતંકવાદીઓની ધમકી સામે ઝૂકી જનારી કેન્દ્ર સરકાર ૧૧ ક્રિકેટ ખેલાડીઓને સુરક્ષા પૂરી પાડવા માટે જો તૈયાર ન હોય તો ૧૧૧ ક્રિકેટરોની સુરક્ષાની જવાબદારી આ નિર્માલ્ય સરકાર કેવી રીતે આપી શકે.
યુપીએ સરકારના આ નિર્ણયની ટીકા કરતા મોદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓની ધમકીથી ડરીને યુપીએ સરકારે દેશમાં યોજાનારી આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ રદ કરી આંતરરાષ્ટ્રીયસ્તરે ભારતની આબરૂને બટ્ટો લગાડયો છે અને દુનિયાના દેશોમાં એવો સંદેશો પહોંરયો છે કે ભારત સરકાર આતંકવાદી આગળ ઝૂકી ગઇ છે. સાથે સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રદ થતાં દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. ભાજપશાસતિ રાજયો આ ટુર્નામેન્ટ રમા઼ડવા તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં મોદીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોમનવેલ્થ કન્ટ્રીઝની ખેલકૂદ સ્પર્ધાઓનું યજમાન પણ ભારત જ બનવાનું છે. તો તે વખતે પણ આતંકવાદીઓ ધમકી આપશે તો સરકાર ઝૂકી જાય તો દેશ અને દુનિયામાં ભારત સરકારની સુરક્ષા માટેની વિશ્વસનિયતા પર શંકાનું વાતાવરણ ખડું થશે.
આઇપીએલના અધિકારીઓ આજે ઇંગ્લેન્ડ જશેઆઇપીએલના કમિશનર લલિત મોદી સહિત ચાર અધિકારીઓ સોમવારે ઇંગ્લેન્ડ જવા રવાના થશે. આઇપીએલનું આયોજન ભારતમાંથી ખસેડી લેવાયા બાદ ઇંગ્લેન્ડ આ માટે હોટ ફેવરિટ બની ગયું છે ત્યારે લલિત મોદી, સુંદર રામન(સીઇઓ), ધીરજ મલ્હોત્રા(ટુર્નામેન્ટ ડાયરેકટર) અને અન્ય એક વ્યકિત એમ ચાર અધિકારીઓ સોમવારે લંડન જઇ રહ્યા છે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદને સૌથી મોટું નુકસાન
ભારતમાં આયોજન રદ થતાં સૌથી મોટું નુકસાન અમદાવાદને થશે. સુરક્ષાના મામલે જયારે અન્ય રાજય સરકારોએ પોતાને ત્યાં આઇપીએલની મેચો યોજવા અંગે અશકિત દાખવી હતી ત્યારે ગુજરાત સરકારે મંજુરી આપી હતી અને આઇપીએલે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને સાત મેચો ફાળવી હતી. આઈપીએલ બહાર જતાં ગુજરાતના ક્રિકેટ રસિકો નિરાશ થયા છે.
પાકિસ્તાન ક્રિકેટરોને ફાયદો
ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેશમાંથી ખસેડીને અન્ય દેશમાં કરવાનો નિર્ણય લેતાં પાકિસ્તાની ક્રિકેટરોને આડકતરી રીતે ફાયદો થઇ ગયો છે. મુંબઇ હુમલા બાદ સુરક્ષાને કારણે પાકિસ્તાન સરકારે તેમના ક્રિકેટરોને ભારતમાં આઇપીએલ અથવા તો કોઇ પણ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપી .
ન હતી. આમ આ વખતે આઇપીએલ સાથે કોન્ટ્રાકટ હોવા છતાં પાકિસ્તાનનો કોઇ ખેલાડી ભારત રમવા આવવાનો ન હતો. આ સંજોગોમાં આઇપીએલનું આયોજન ઇંગ્લેન્ડ કે સાઉથ આફ્રિકામાં થાય તો પાકિસ્તાની ક્રિકેટરોને એ દેશમાં રમવાની તેમની સરકાર તરફથી મંજૂરી મળી જાય. આઇપીએલના બીજા તબક્કાની હરાજી થઇ એ વખતે પણ કોઇ ફ્રેન્ચાઇઝીએ પાકિસ્તાની ક્રિકેટરને ઘ્યાનમાં લીધો ન હતો અને તેમની ખરીદી થઇ ન હતી. આમ ના થયું હોત તો ડેનિશ કનેરિયા જેવા ખેલાડી હરાજીમાં હોટ ફેવરિટ હતા.
ગયા વર્ષે યોજાયેલી આઇપીએલની ટુર્નામેન્ટમાં મિસબાહ(બેંગલોર) શોએબ મલિક અને મોહમ્મદ આસફિ(દિલ્હી), શાહિદ આફ્રિદી(હૈદરાબાદ), કામરાન અકમલ, સોહૈલ તનવીર અને યુનુસ ખાન(રાજસ્થાન), સલમાન બટ્ટ, મોહમ્મદ હફીઝ, ઉમર ગુલ અને શોએબ અખ્તર(કોલકાતા) આઇપીએલમાં રમ્યા હતા. હવે આ વર્ષે ભારત સિવાયના દેશમાં આઇપીએલનું આયોજન થાય તો પાકિસ્તાનના આ તમામ ક્રિકેટરો તેમાં રમી શકશે.
Name:
Email ID:
Comments:
Code: