Specials
Aha! Zindagi Aha! Zindagi
આજે એક પ્રાર્થના થઈ જાય?
પ્રાર્થના કોના માટે? પોતાના માટે. ચાલો, આજે આપણી શ્રદ્ધા દ્રઢ બનાવે એવી એક ધાર્મિક રીત અજમાવીએ? કઈ ચીજમાં શ્રદ્ધા? આપણી જાતમાં. અને એ ક્ષમતામાં જે આપણને આપણા માંયલા સાથે જોડી શકે છે. આવું કરવું જરૂરી છે. બાકી તો એ કોણ છે જે કામ કરે છે, પ્રેમ કરે છે, વાત કરે છે.
નેચરલી, એ આપણે તો નથી જ નથી જ. એ પેલો માંયલો છે. હું એને રોજ શોધું છું. કશુંક જે મને મારી સાથે, મારી ચેતના જોડે, આ પ્રેમાળ પ્રકૃતિ સાથે જે મને જોડે, જેની હું અનુભૂતિ કરી શકું. એ સાચું છે કે અનેક લોકો શ્રદ્ધા રાખી શકે છે. એ ક્ષમતા નવાઈ પમાડે એવી છે. હું આંધળી શ્રદ્ધા નથી રાખી શકતો. હું મારી જાતને કશુંક શોધી રહેલી વ્યકિત તરીકે જોઉં છું. હું સવાલો ઊઠાવું છું. તો હું સારો કે ખરાબ? નથી ખબર.
બીજાની શ્રદ્ધા એમને મુબારક. એમની આસ્થા સામે મને વાંધો નથી. ઘણા લોકો સવારની શરૂઆત ઘ્યાનથી કરે છે. હું એવું ન કરી શકું. મારે તો એક ચીજ સાથે જોડાવું છે. જે ભલે ગમે તેટલી નાનકડી હોય, એવી ચીજ જે હું કંઈક વિશિષ્ટ છું એવી માન્યતામાંથી મને છૂટકારો અપાવી શકે. હું કંઈક વિશેષ છું એવી જે ‘રાય’ મારામાં ભરાઈ છે
તેની સામેનો મારો આ રોજનો સંઘર્ષ છે. મને તેની ટેવ પડી ગઈ છે. વર્ષોથી મને આ ફાવી ગયું છે એટલે એનાથી છૂટવું મુશ્કેલ છે. જિંદગીમાં સૌથી વધુ જો કોઈ કામ કર્યું હોય તો તે આ છે: જાત સાથે સંઘર્ષ. મને ખબર કઈ રીતે પડે કે આ કર્મ સાચું ને આ ખોટું? જોકે, હું હંમેશાં એ તત્ત્વ સાથે સંપર્કમાં છું જે વિરાટ છે, મહાન છે, સચરાચરમાં છે અને મારાથી તે ઘણું બધું મોટું છે.
હા, મને એની ખબર છે. હું મારી જાતને મારા કર્મોના ફળથી ટેવાવા નથી દેતો. પછી ભલે જીવન વેરવિખેર રહે. એ ચાલશે. મેં અરાજકતાને મારા જીવન પર આક્રમણ કરવાની છૂટ આપી છે. હું બેચેન થઈ જાઉં છું, પણ એ જ ઘડીએ અંદરનો માણસ લડવા ઊભો થઈ જાય છે. આ મારી રોજની લડાઈ છે. વિશિષ્ટ વ્યકિત બની રહેવાની આદત છોડવા માટેની લડાઈ. એક સવારે મારી દીકરીએ પોતાના મીઠા અવાજમાં મને ડરાવવાની કોશિશ કરીને ઉઠાડયો.
એનું નિર્દોષ આકર્ષક હાસ્ય સવારના વાતાવરણમાં ચારે તરફ વિખરાઇને પડેલું. કયારેક સવારે વહેલા માત્ર એટલા ખાતર ઊઠી શકાય કે આકાશના અતિ ભૂરા રંગના વિભિન્ન શેડ્સની મજા લઇ શકાય. એ તમારી અંદર કેવી ઊંડી લાગણીની મોટી ભરતી લાવે છે! કયારેક કયારેક તમે પ્રેમનાં એ પાસાંઓનો અનુભવ કરો છો, જેની તમે કલ્પના પણ ન કરી હોય.
ત્યારે લાગે કે આ તો જન્મથી જ આપણે સાથે હતું. બસ, આપણે એને શોધી નહોતા શકયા. કયારેક વળી કવિતા લખતા હોઈએ એવું લાગે. પણ એવું ત્યારે જ લાગી શકે જયારે શબ્દો કોઈ ગૂઢ સ્થળેથી આવતા હોય અને આપણે તેના પ્રવાહમાં વહી રહ્યા હોઈએ. લાગણીઓની એક એવી નદી, જેને આપણે નક્કરપણે અનુભવી શકીએ. એમાં આપણે વહેતાં જઈએ, વહેતાં જઈએ... પણ આવું અચાનક, આપોઆપ જ થઈ શકે.
આપણે એ અવસ્થાને એકાકાર થઈને અનુભવી શકીએ છીએ. આ અવસ્થામાં મારી ઇન્દ્રિયોની સંવેદનશીલતા એક અલગ ઊંચાઈ પર પહોંચીને એ આકસ્મિક ક્ષણોનો ભરપૂર આનંદ ઉઠાવી શકે છે. કશુંક મારામાં ખૂબ ઊંડે ઊતરી જાય, મને શ્રદ્ધાથી તરબતર કરી દે અને મારા નાનામાં નાના કર્મ વિશે પણ મને ઊંડી સાર્થકતાનો અનુભવ કરાવી શકે. એટલે જ, પ્રાર્થના કરો. મારા માટે પણ અને તમારા માટે પણ.
ભૌતિક ચીજો છોડવાની કળા
પ્રત્યેક મનુષ્યના જીવનમાં કોઇને કોઇ ઉદ્દેશ હોય છે. દરેક આત્માનું એક મિશન છે અને આ મિશન પાર્થિવ નહીં પણ આઘ્યાત્મિક પ્રકારનું હોય છે. મારું મિશન છે, નૃત્યના માઘ્યમ દ્વારા પ્રકાશ ફેલાવવાનું. સ્વસ્થ રહી શકે એ માટે હું બધી ઉંમરના લોકો મારી સાથે જોડાય એવું ઇરછું છું. હું એવા લોકોને નૃત્ય શીખવવા ઇચ્છું છું જેમનામાં પ્રતિભા હોવા છતાં જેઓ કુદરતી કારણોસર શારીરિક કે માનસિક પડકારોનો શિકાર બન્યા હોય છે.
મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આવા લોકો માટે મારે કંઇક કરવું જોઇએ. જે કંઇ પણ મને મળ્યું છે એને મારે કોઇ પણ માઘ્યમ દ્વારા પાછું આપવું જોઇએ. મારી ફરજ બને છે કે મારા નૃત્યના માઘ્યમથી હું એમને આનંદનો અનુભવ કરાવું. આત્મા વગર આઘ્યાત્મનો કોઇ અર્થ નથી અને એની કલ્પના પણ ન કરી શકાય. આઘ્યાત્મિકતા આપણાં કર્મની સાથે જોડાયેલી એક સાદી સમજ છે. મને બીજાની પરવા કરતા શીખવાનું તથા એમની સાથે મારા વિચારો વહેંચવાનું ઘણું સારું લાગે છે.
હું રોજ આવું કરું છું. મારા ડેઈલી રુટિનમાં એનો સમાવેશ થાય છે. હું માનું છું કે તમે જે પણ કર્મ કરો છો એ સમુદ્રની લહેરોની જેમ તમારી પાસે પાછાં આવે છે અને એનો પ્રભાવ તમારા જીવન પર પડે છે. મને ખાતરી છે કે સારું કામ કરવાથી આપણા મનને ગજબનો આત્મસંતોષ મળે છે, શાંતિનો અનુભવ થાય છે.
મેં મારા આઘ્યાત્મિક જ્ઞાનના જોરે પાછલાં અમુક વર્ષોમાં ઘણું બધું મેળવ્યું છે. એને લીધે હું વિનમ્ર પણ થયો છું. હું મારી આઘ્યાત્મિક માને પહેલીવાર મળ્યો હતો એ અનુભવ સાથે જોડાયેલી મારી સ્મૃતિ-યાદોનો ખજાનો આજે પણ મારી પાસે સુરક્ષિત છે. એણે મારા સમગ્ર જીવનને સમૂળગું બદલી નાખ્યું. એ ઇશ્વરને હું ચાહું છું, જેણે હંમેશ મારા પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખી અને મને હંમેશા પોતાની નજીક રાખ્યો.
આજે દુનિયા ભ્રમિત છે અને તમે તમારા અસ્તિત્વ વિશે અનિિશ્ચત છો. બીજાના ચહેરા પર સ્મિત રેલાવવું એ જ સાચા અર્થમાં ખુશીનો સાર છે. મારી સ્કૂલ અને મારું આઘ્યાત્મિક કામ મારા માટે અત્યંત મહત્ત્વનાં છે અને મારી જિંદગીમાં એનું ખાસ સ્થાન છે. જયારે તમે કોઇ ખોટું કામ કરો છો તો તમને ભગવાનનો ડર લાગે છે અને તમારો આત્મા તમને ધિક્કારે છે, ડંખે છે કે આ તમારે માટે યોગ્ય નથી.
મને ઇશ્વર માટે અપાર પ્રેમ છે. હું મોટા ભાગે એની સાથે એ રીતે જ વાતચીત કરું છું જેવી રીતે મારા કોઇ ખાસ મિત્ર સાથે કરી રહ્યો હોઉં. આઘ્યાત્મિકતાની શરૂઆત પોતાનાથી જ થાય છે. આપણે આપણાં વિવેક અને બુદ્ધિના સ્વામી હોઇએ છીએ, જે વખતોવખત આપણું માર્ગદર્શન કરે છે અને આપણને સાચા-ખોટાનું ભાન કરાવે છે.
અઘ્યાત્મ એ કોઇ નિયમોને આધીન કે બંધાયેલું નથી હોતું. એ સંપૂર્ણ વિશ્વાસને આધારે હોય છે. મને એ વાતની ખુશી છે કે મને મારી જરૂરિયાત પ્રમાણે માર્ગદર્શન પ્રાપ્ત થયું. એ તો પરમાત્માનો આશીર્વાદ છે કે હું યોગ્ય દિશામાં વિચારી શકું છું અને સ્વતંત્રતાથી પોતાના માટે યોગ્ય માર્ગ પસંદ કરી શકું છું.
હું ઇશ્વરનો રોજ એ વાત માટે આભારી રહું છું કે એણે સદેવ પોતાની કૃપા દ્રષ્ટિ મારા તરફ રાખી. આજે લોકોનો ઝુકાવ પૈસા, નામ અને સત્તા તરફ વધુ થઇ રહ્યો છે અને લોકો અઘ્યાત્મથી દૂર જઇ રહ્યા છે. આપણને ભૌતિક ચીજો છોડવાની કળા આવડવી જોઇએ તો જ આપણા જીવનમાં ખરો આનંદ પ્રાપ્ત થઇ શકે છે.
જીવન અત્યંત સરળ છે
કદાચ માના પેટમાં હતો ત્યારથી જ હું ઇશ્વરીય શકિતને મહેસૂસ કરવા લાગ્યો હતો. જોકે હું પહેલાં મારી મા જેટલો આઘ્યાત્મિક નહોતો. પણ પહેલાં મારી પ્રકૃતિ જુદી હતી. હું મારો કાબૂ ઝટ ખોઇ બેસતો. મારામાં સહનશકિત પણ ઓછી હતી, શરૂશરૂમાં હું ખૂબ ઝઘડતો. ટૂંકમાં કહું તો હું થોડો ઉગ્ર હતો, પણ જયારથી હું મારી માનો શિષ્ય બન્યો મને ઘણું બધું શીખવાનું મળ્યું.
એ કહેતી, ચીચી જે ઉગ્ર સ્વભાવના હોય એમને એમનાથી વધુ ઉગ્ર સ્વભાવના માણસો જ મળે અને પછી આખી વાતનો કોઈ અંત જ ન આવે. આ સ્થિતિમાં માણસ જો સમજી જાય તો જીવન કેટલું સરળ બની જાય. નહીંતર માર્ગમાં કંટકો જ વેરાયેલા જોવા મળે. મારી મા સાચા અર્થમાં સાધુ હતી, સાચા અર્થમાં સંત.
જયારે એ જીવિત હતી ત્યારે ઘણા લોકો એની પાસે આઘ્યાત્મિક માર્ગદર્શન લેવા માટે આવતા. આખી જિંદગી એ સાત્ત્વિક જીવન જીવી. એ મિતાહારી હતી. અમારા ઘરનું ભોજન પણ સાદું અને શાકાહારી રહેતું. હું હજી પણ માએ ચીંધેલા માર્ગ પર ચાલવાની કોશિશ કરું છું.
હું સરસ્વતીનો ઉપાસક છું અને જો હું એમ કહું કે છેલ્લા એક વર્ષમાં સરસ્વતીદેવી મારા રોમરોમમાં નવી રીતે સ્ફૂરિત થઇ છે તો અતિશયોકિત નહી ગણાય. હું પારંપરિક રિવાજોમાં પણ વિશ્વાસ ધરાવું છું. પૂજા કરવાનો મારો રોજનો નિયમ છે. દરરોજ સવારે લગભગ ૧૫થી ૨૦ મિનિટ ભગવાન શિવની પૂજા કરું છું. શૂટિંગ અર્થે બહાર હોઉં છું ત્યારે પણ મારો પરિવાર મારી પૂજા માટે બિલીપત્ર મોકલાવે છે.
જિંદગી હવે ખૂબ બદલાઇ છે. બદલાયેલા વાતાવરણમાં હું ખૂબ ઝડપથી શીખી રહ્યો છું. મારી તેજ રફતાર જોઇને હું જ આશ્ચર્યચકિત છું. એવું લાગે છે કે છેલ્લાં ૨૩ વર્ષમાં હું જે ન શીખી શકયો એ છેલ્લા એક વર્ષમાં શીખી ગયો છું. હવે હું થાકી રહ્યો છું. જોકે થાકવા છતાં મારી શીખવાની પ્રક્રિયા એટલી અદભૂત છે કે મારી પાસે એને વર્ણવવા શબ્દો નથી. ફિલ્મ ઉધોગમાં આવ્યે મને લગભગ ૨૩ વર્ષ થવા આવ્યાં છે છતાં આજે પણ એવું લાગે છે કે દરેક દિવસ એક નવો પાઠ ભણાવે છે.
આપણે રોજ ઘરને સાફસૂથરું રાખવું પડે છે. એ જ રીતે તમારે તમારી કળાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓની પણ સાફસફાઇ કરવી પડે છે. હું હંમેશાં ઊર્જાને આત્મસાત્ કરવામાં માનું છું. મને મારી સફળતાથી ઊર્જા મળી છે, તો મારી ભૂલોમાંથી પણ પ્રેરણા મળી છે. હું ઇશ્વરનો, પ્રકૃતિનો, આસપાસના લોકોનો આભારી છું, કારણ કે એમણે ડગલે ને પગલે મને કાંઇને કાંઇ આપ્યું જ છે.
જીવનમાં પડતી આવવા છતાં મને અનેક મોકા મળ્યા છે એ મારાં માતાપિતાના આશીર્વાદ જ તો છે. હું સારા કર્મમાં અત્યંત વિશ્વાસ ધરાવું છું. કર્મનું ફળ તો મળે જ છે. મારાં માતાપિતાએ સારાં કર્મ કર્યા એનું ફળ મને મળ્યું. હું પણ મારાં સારાં કર્મોકરવાનો પ્રયત્ન કરું છું જેથી મારાં બાળકોનું ભલું થાય. આજે મને મારી માની વાત વારંવાર યાદ આવે છે. એ કહેતી, તને જે ફરક નજરે પડે છે એ તારી અંદરનો અને તારા દ્રષ્ટિકોણનો ફરક છે.
તારી આસપાસના લોકો ફકત પ્રતિક્રિયા દર્શાવે છે... એમની લાગણી કયારેય સ્વતંત્ર નથી હોતી, એ તો તારાં કર્મો સાથે જોડાયેલી હોય છે. બધી ખરાબી, શત્રુ, ખલનાયક તારી અંદર છે, લોકો તો સત્યના આયના જેવા હોય છે... જીવન અત્યંત સરળ છે. એટલું સરળ કે એને બહારથી જોવું અઘરું લાગે છે.
પ્રસ્તુતિ: રેખા ખાન
Name:
Email ID:
Comments:
Code: