Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

એવી ખાતરી ખરી?

આંખો બંધ કરીને આપણા ભૂતકાળ વિશે વિચારીએ અને ફરી એકવાર ત્યાં પહોંચી જવાની તીવ્ર ઇરછા થાય એને શબ્દકોષ અતીતરાગ અથવા તો નોસ્ટાલ્જીઆ કહે છે. ખબર છે કે સરી ગયેલા એ સમયમાં પણ મુશ્કેલીઓનો પાર નહોતો, પરંતુ અત્યારે એના વિશે વિચારતાં હૈયે ટાઢક તો અનુભવાય છે જ. એ સમયગાળો હશે એંસીની મઘ્યથી લઇને નેવુંની મઘ્યનો. એ વખતે આજના જેવી પલ પલ કી ખબર આપતી ટીવી ચેનલો નહોતી.

અરે, ઘરે ટીવી હોવું એ જ લકઝરી ગણાતી. લાકડાના ખોખા જેવા શટરવાળા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતા. ટીવીધારક પાડોશીઓને ધેર જઇને ફિલ્લમ, ચિત્રહાર, રંગોલી, રામાયણ-મહાભારત જોવું સામાન્ય હતું, અને ટીવી ધારક મુઘલ-એ-આઝમના હાવભાવ સાથે દરબાર ભરીને બેસતા. સલમા સુલતાન, સરલા માહેશ્વરી, વેદ પ્રકાશ, શમ્મી નારંગ, મીનુ, સુનિત ટંડન વગેરે સમાચાર વાંચતા. મારા-તમારા જેવાં જ સુખ-દુ:ખ ધરાવતા પાત્રોવાળી સિરિયલો આવતી.

ક્રિકેટનું લાઇવ ટેલિકાસ્ટ ભાગ્યે જ આવતું. હા, સુશીલ દોશીના અવાજમાં આંખો દેખા હાલ સાંભળતા. સાઇકલ ઢસડીને બચાવેલા પૈસાથી ઘરે સ્કૂટર આવે (એ પણ નોંધાવ્યાના મહિનાઓ પછી) ત્યારે મીઠાઇઓ વહેંચાતી. કોલેજે સાઇકલ લઇને જવામાં શરમ નહોતી આવતી. અવાજવાળા સ્ટવ (પ્રાઇમસ) પર રસોઇ થતી. રમવા માટે વીડિયો ગેમને બદલે સંતાકૂકડી, લખોટી, નારગોલ (સાતોલિયું), થપ્પો, પકડદાવ, ભમરડા, બાકસ (મેચ બોકસ)ની છાપ, ફિલ્મસ્ટાર્સના ફોટા વગેરેથી કામ ચલાવવું પડતું.

કમ્પ્યૂટર તો શોધાઇ ચૂકયું છે એવું સપનું પણ નહોતું આવતું. દૂરદર્શન સાંજે દોઢેક કલાક જ જોવાતું અને ફિલ્લમ તો વીકએન્ડ્સ પર. નાના હતા એટલે બાળકોના મેગેઝિન વાંચીને સમય પસાર કરતા. સ્કૂલે ઘોડાગાડીમાં બેસીને જતા. ફટાફટ કશું બની જવાની ઉતાવળ નહોતી એટલે જાતભાતના કલાસીસ પણ નહોતા. દર મહિને ઘરમાં કરિયાણાની દુકાનેથી ખાતામાં છાપાંના કાગળના પડીકાંમાં બંધાઇને બધી વસ્તુઓ આવતી.

મોટર માત્ર બહારથી જ જોતાં અને ઘરની બાજુમાંથી પસાર થતી રેલગાડી જોવી અને એના કોલસાનો ધુમાડો શ્વાસમાં ભરવો એ રોજનો ક્રમ હતો. વેકેશનમાં મામાને ધેર જતા. હજી આપણા ફોન નંબરની આગળ ‘પી.પી.’ જ લાગતું, અને ફોન આવે ત્યારે પાડોશી મોં મચકોડતા. સગાં પંદર પૈસાનાં પોસ્ટ કાર્ડ કે બાર આનાના ઇનલેન્ડ લખતા અને બપોરે ટપાલી સાઇકલની ઘંટડી સાથે આપી જતા.

ત્યારે આજના જેવી કમ્ફર્ટ નહોતી. મોબાઇલ, કમ્પ્યૂટર, કેબલ ટીવી, એટીએમ-ક્રેડિટ કાર્ડ, દરેક સભ્યનું પર્સનલ વાહન, મિલ્ટપ્લેકસ વગેરે જેવી સગવડો નહોતી. છતાં ત્યારે બહુ મજા પડતી... કારણ કે ત્યારે પપ્પા નોકરીએ જતા કે અમે સ્કૂલે જતા ત્યારે મમ્મીને ખાતરી હતી કે રસ્તામાં કયાંય બોમ્બ વિસ્ફોટ નહીં થાય, આતંકવાદીઓ ગોળીબાર નહીં કરે...



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: