Gujarat
Saurashtra Saurashtra જસદણના કોંગ્રેસી ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની જમીન કૌભાંડના સંદર્ભે સીઆઈડી (ક્રાઈમ) દ્વારા કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં અપાયેલા બંધને આંશિક પ્રતિસાદ મળ્યો હતો. અને જસદણ શહેરમાં મંગળવારના દિવસે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટાભાગે વેપાર ધંધા ચાલુ રહ્યા હતા. જસદણમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવતાં અનીઈચ્છનીય ઘટના ટાળી શકાય હતી.
બાવળિયાના ગ્રામ સાર્વજનિક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વે નંબર ૪૧૮ની ગૌચરની પ૦ વિઘા જમીન ફકત ફૂલઝાડ વાવવા માટે માગવામાં આવી હતી. આ અંગેની અરજી પણ કલેકટરને કરવામાં આવી હતી. જો કે અમરાપુર ગામના સરપંચ સવિતાબેન વાસાણીની બોગસ સહી કરવામાં આવી હોવાની વિગતો બહાર આવતાં વીંછિયા પોલીસમાં વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં જસદણ ભાજપના ઉપ-પ્રમુખ રહિમ લોહિયાએ ગૃહ વિભાગમાં પત્ર પાઠવતાં અમિત શાહે ગત તા.૧૩-૧૦-૦૬ના રોજ આ બનાવની તપાસ સી.આઈ.ડી. (ક્રાઈમ)ના પોલીસ ઈન્સ્પેકટર સુખદેવસિંહ ઝાલાને સોંપી હતી.
આ સમય દરમિયાન રહિમ લોહિયાની હત્યા થઈ હતી. જોગાનુજોગ આ તપાસને પણ જાણે બ્રેક લાગી ગઈ હતી. બાદમાં સવા બે વર્ષના સમયગાળા પછી પી.આઈ. ઝાલાએ ૧-૧૧-૦૮ના રોજ અચાનક જ ગોંડલના સર્કિટ હાઉસમાંથી કુંવરજીભાઈ બાવળિયાની ધરપકડ કરી પૂછતાછના અંતે જેલ હવાલે કર્યા હતા.
બાવળિયાની ધરપકડ થતાની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી અને છેક ગાંધીનગર સુધી ટેલિફોનનાં દોરડા ધણધણ્યા હતાં. ગુજરાત કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ અને હિસાબ સમિતિના ચેરમેનની જમીન કૌભાંડમાં ધરપકડ થયા બાદ કોંગ્રેસ દ્વારા મંગળવારે જસદણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જસદણ વિસ્તાર કુંવરજીભાઈ બાવળિયાનો મત વિસ્તાર છે અને ત્યાં તેનું જબરૂ વર્ચસ્વ છે.
આથી બંધ દરમિયાન કોઈ નવા જૂની થાય તેવી શંકાના આધારે સોમવાર રાતથી જ શહેરમાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતાં અને કેટલાક શંકાસ્પદ લોકોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. મંગળવારે સવારે થોડો સમય શહેર સજજડ બંધ રહ્યું હોય તેવો માહોલ હતો. પરંતુ જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ વેપાર ધંધા ધમધમવા લાગ્યા હતાં અને બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હોવાનાં અહેવાલ પ્રાપ્ત થયા છે.
બાવળિયાએ કોઈ કૌભાંડ કર્યું નથી : કોંગ્રેસ
જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખાભાઈ રોકડે જણાવ્યું હતું કે, ટ્રસ્ટે જમીન ફળઝાડના હેતુ માટે માગી હતી છતાં બાવળિયાની ધરપકડ શા માટે ? તેઓએ કોઈ કૌભાંડ કર્યું નથી. તેઓની રાજકીય કારર્કિદી પર કાળો ધબ્બો લગાડવાના બદઈરાદે જ ધરપકડ કરવામાં આવી છે.
ધારાસભ્ય બાવળિયા બે દિવસના રિમાન્ડ પર
જસદણ તાલુકાના અમરાપર ગામે જમીન કૌભાંડમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની સોમવારે રાજકોટ સરકીટ હાઉસમાંથી સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. ધારાસભ્યને મંગળવારે બાવળિયાને બે દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યા હતાં. ગોંડલ કોટર્માં કોંગી કાર્યકરોના ટોળા ઉમટી પડયા હતા.
Name:
Email ID:
Comments:
Code: