બે એસી સહિત ચાર મોટા ડાઇનિંગ હોલમાં ૯૦૦ વ્યકિતને જમાડવા આયોજન
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના કેબિનેટ અને વિશ્વના ૨૫થી પણ વધુ દેશોના રાજદ્વારીઓ સાથે ૧૧મી ડિસેમ્બરથી ત્રણ દિવસના રણોત્સવ માટે કરછ આવી રહયા છે, ત્યારે કરછના પ્રવાસન અને સંસ્કતિની સાથે સાથે કરછી વાનગીઓનો આસ્વાદ લે તે માટે તંત્રે કોઇ જ કસર છોડી નથી.
આશરે નવસો જેટલા લોકોના બ્રેકફાસ્ટ અને લંચ-ડીનર માટે રણોત્સવમાં ફાઇવ સ્ટાર હોટલના રસોડા જેવું આયોજન હાથ ધરાયું છે.
સફેદ રણમાં મહેમાનોને અડદિયા, ખારીભાત, સૂકીભાજી, બાજરાના રોટલા, ભાખરી, ઘી, ગોળ સહિત ખીચડી પિરસવાનું આયોજન થયું છે. સમગ્ર આયોજનની વિશિષ્ટતા એ છે કે મહેમાનોને માત્ર કરછી ભોજન સુધી જ સમિતિ નહીં રખાય, પરંતુ તેમની જીભને ગમે તેવા ગુજરાતી, પંજાબી અને સાઉથ ઇન્ડિયન ભોજન પણ સાથે અપાશે.
જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને રાચે તેવા લસણ, ડુંગળી વિનાના લંચ-ડીનરનું ખાસ આયોજન થયું છે. મોટી સંખ્યામાં મહેમાનો રણોત્સવમાં આવી રહયા હોવાના પ્રાથમિક હેવાલોથી તંત્ર દ્વારા ધોરડો ટેન્ટ સિટીમાં ખાવા-પીવાની સહેજ પણ તકલીફ ન પડે તે માટે વિશેષ ઘ્યાન રાખાઇ રહયું છે.
સમગ્ર રણોત્સવને જુદા જુદા ભાગમાં વહેંચીને આયોજન થઇ રહયું હોવાથી ધોરડો ટેન્ટ સટિીની સમગ્ર જવાબદારી જિલ્લા વિકાસ અધિકારી રાજકુમાર બેનિવાલ અને અંજારના મદદનીશ કલેકટર બી.એન. પાનીને સોંપવામાં આવી છે. કોઇ પણ પ્રવાસમાં જે તે સ્થળની સાથે સાથે જમવાની વિશિષ્ટ સગવડ યાદગાર સફરનું સંભારણું બની જતું હોવાથી રણોત્સવ દરમિયાન રસોઇની ખાસ કાળજી રાખવામાં આવશે તેમ આઇએએસ અધિકારી પાનીએ જણાવ્યું હતું.
કોઇ પણ પેકેજ ટુરના આયોજનને પણ ટક્કર મારે તેવા ધોરડોના આયોજનમાં બ્રેકફાસ્ટ અને ચા-કોફીની વ્યવસ્થા પણ ઘ્યાનાકર્ષક બની રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
બ્રેકફાસ્ટ, લંચ-ડીનરમાં શું હશે?
બ્રેકફાસ્ટમાં કરછમાં સવારે લોકો ગાંડિયા-જલેબીની જયાફત ઉડાવે છે તેવી રીતે જ શરૂઆત કરીને નાસ્તામાં આલુ પરોઠા, દહીં, બ્રેડ બટર, ટોસ્ટ, દૂધ, ઇડલી-સંભાર, જયુશ, કોર્ન ફલેકસ, સેન્ડવીચ, કટલેશ, વડાસંભાર, બટેટા પૌંઆ અને ઉપમા પીરસવામાં આવશે, જયારે લંચ-ડીનરમાં બાજરાના રોટલા, ઘી-પાણી- ગોળથી માંડીને ખારીભાત, ખીચડી, ગટ્ટા કઢી, રિંગણાનો ઓળો, સૂકી બટેટાની ભાજી, સંભારો, પાણી-પુરી, છાશ, સૂકા પનીર ટીક્કા, રોટલી -પુરી, વેજિટેબલ બિરયાની, ગુલાબ જાંબુન ,ગાજરનો હલવો, ભજિયા, અડદિયા, મેથીના થેપલા, રાજમા જેવી પંજાબી અને સાઉથ ઇન્ડિયન વાનગીઓ મહેમાનોને પીરસાશે.
Name:
Email ID:
Comments:
Code: