Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

માલેગાંવ બૂમરેંગ થશે?

સૈન્ય અફસરોની ખરેખર સંડોવણી હોય તો તેનો અર્થ એ થયો કે આપણા સશસ્ત્ર દળોના એક વર્ગને ઇસ્લામિક ત્રાસવાદ સામે લડી લેવાની સરકારની પ્રતિબદ્ધતામાં વિશ્વાસ રહ્યો નથી

માલેગાંવ બોમ્બ વિસ્ફોટની ચાલતી પોલીસતપાસમાં સાઘ્વી પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત અન્ય હિંદુ સંતો તથા ભારતીય સૈન્યના અધિકારીઓની કહેવાતી સંડોવણી બહાર આવતાં નવા વિવાદોના વિસ્ફોટો શરૂ થયા છે. ભાજપ તથા સંઘ પરિવારે તો કેન્દ્રની યુપીએની સરકારના ઇશારે ચાલતી મહારાષ્ટ્રની કાઁગ્રેસ સરકારની આ તપાસને એક ષડ્યંત્ર તરીકે ગણાવી તેની સામે લડી લેવાનો નિર્ણય કર્યો છે.

કેવળ ભાજપ અને સંઘ પરિવાર નહીં પરંતુ કેટલાક તટસ્થ નિરીક્ષકો પણ એવી શંકા વ્યકત કરતા રહ્યા છે કે ગયા જુલાઈમાં દિલ્હીના બોમ્બ વિસ્ફોટ પછી જામિયાનગર ખાતે થયેલી અથડામણના જે પડઘા આમ મુસ્લિમ સમાજમાં પડયા છે તેને સમતોલ કરવા કેન્દ્રની યુપીએ સરકાર ‘હિંદુ-આતંકવાદ’નું ભૂત ધૂણાવી રહી છે. જામિયાનગરમાં પોલીસને હાથે માર્યા ગયેલા મુસ્લિમ છાત્રો સાવ નિર્દોષ હતા તેવી પ્રવર્તતી રહેલી મજબૂત માન્યતાને કારણે આવી રહેલી પાંચ રાજયોની ચૂંટણીઓમાં મુસ્લિમ મતો ખોવા પડશે તેવી દહેશતને કારણે જામિયાનગરનો વિવાદ વધુ ચગે તે પહેલાં માલેગાંવના હિંદુ-આતંકવાદના વિવાદને કાઁગ્રેસ તથા કેન્દ્ર સરકાર આગળ કરી રહી છે, તેવી આશંકાઓ વ્યકત થતી રહી છે.

આ શંકા-કુશંકાઓ ઉપરાંત કહેવાતા બિનસાંપ્રદાયિકતાવાદીઓ, માલેગાંવકાંડમાં નિવૃત્ત મેજર ઉપાઘ્યાય તથા અત્યારે સેવા બજાવી રહેલ લેફ. કર્નલ પુરોહિતની સંડોવણી જાહેર થતાં એવો ભય વ્યકત કરવા લાગ્યા છે કે સંઘ પરિવારે, અત્યાર સુધી રાજકારણથી સાવ અલિપ્ત રહેલા ભારતીય સશસ્ત્ર દળોમાં ઊડે સુધી ઘૂસણખોરી કરી દીધી છે. તેઓ એવો પણ ભય વ્યકત કરી રહ્યા છે કે ભારતીય સેનાએ પોતાની બિનસાંપ્રદાયિક પરંપરા માટે જે વિશ્વસનિયતા પ્રાપ્ત કરી છે તે હવે સંઘના પ્રવેશ પછી, તૂટવા લાગશે.

ભારતીય સશસ્ત્ર દળો હિન્દુત્વના રંગોથી રંગાવા લાગ્યાની જે કાગારોળ કહેવાતા બિનસાંપ્રદાયિકતાવાદીઓ કરી રહ્યા છે ત્યારે તેઓ આપણા સશસ્ત્ર દળોની ભારે કુસેવા કરી રહ્યા છે. સૌ પ્રથમ તો માલેગાંવ કે સમજોતા એકસપ્રેસ બોમ્બકાંડમાં સેનાના આ અધિકારીઓની સંડોવણી હજુ અદાલતમાં સાબિત થવાની બાકી છે. વધુમાં ભારતીય સૈન્ય હોય કે જગતના કોઈ પણ દેશના સશસ્ત્ર દળો પોતાના દેશમાં બનતી રહેલી ઘટનાઓથી સાવ અલિપ્ત કયારેય રહી શકે નહીં. દક્ષિણ એશિયાના અત્યંત જાણીતા વિદ્વાન સ્ટીફન કોહેનના શબ્દોમાં: ‘સમાજમાં બનતી રહેતી રાજકીય ઘટનાઓની ઓછી-વત્તી અસર દરેક સૈન્ય પર પડતી હોય છે...’

પ્રો. કોહેને આ વિધાનો તાજેતરમાં કર્યા છે પરંતુ ’૮૦ના દાયકામાં ભિન્ડરાનવાલા તથા ખાલિસ્તાનના જે પડઘા ભારતીય સૈન્ય પર પડયા હતા તે ભૂલવા જેવું નથી. ‘ઓપરેશન બ્લુસ્ટાર’ના પ્રકરણે સેનાના શીખ સૈનિકોએ જે બેચેની ઊભી કરી હતી તેના પરિણામે સેનાના સેંકડો શીખ સૈનિકોએ વિદ્રોહ પોકાર્યોહતો. ઉપરાંત સંત ભિન્ડરાનવાલા સાથે માર્યા ગયેલા તેમના સાથીઓમાં મેજર-જનરલ શાહબેગસિંહ સહિત ઘણા નિવત્ત સૈનિકો તથા અફસરોનો સમાવેશ થતો હતો.

વાસ્તવમાં સૈન્ય કેસરિયા રંગોથી રંગાવા લાગ્યું છે તેવી કાગારોળ કરવાને બદલે ભારતીય સૈન્યની માનસકિતાને ગંભીરતાથી સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. છેલ્લાં ૬૨ વર્ષોથી ભારતીય સશસ્ત્ર દળોને પાકિસ્તાન દ્વારા થતા રહેલા પડકારોનો સતત પ્રતિકાર કરવો પડયો છે. ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધો ઉપરાંત છેલ્લે કારગિલમાં આ શઠ પડોશીનો પરચો આપણા સૈન્યોને મળ્યો છે. આ ઉપરાંત છેલ્લા બે દાયકાઓથી કાશ્મીરમાં તે પાકિસ્તાન પ્રેરિત અપરોક્ષ યુદ્ધનો સામનો કરી રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષોથી ભારતના આંતરિક વિસ્તારોમાં વધતી જતી પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદી પ્રવૃત્તિઓને રોકવામાં સરકાર નિષ્ફળ જઈ રહી છે તેવી વ્યાપક બનતી જતી આમ લાગણીથી આપણા સશસ્ત્ર દળો પણ અજંપો અનુભવે તે સાવ સ્વાભાવિક છે.

મેજર ઉપાઘ્યાય અને લેફ. કર્નલ પુરોહિતની ખરેખર સંડોવણી હોય તો તેનો અર્થ એ થયો કે આપણા સશસ્ત્ર દળોનો એક વર્ગ, પછી તે ગમે તેટલો નાનકડો હોય તેને ઇસ્લામિક ત્રાસવાદ સામે લડી લેવાની સરકારની પ્રતિબદ્ધતામાં વિશ્વાસ રહ્યો નથી. આ પ્રક્રિયા પ્રજાતંત્ર તથા બિનસાંપ્રદાયિક રાજયવ્યવસ્થા માટે ભયનો સંકેત છે, પરંતુ આ પરિસ્થિતિ માટે ખુદ કાઁગ્રેસ પક્ષ, તેના કહેવાતા બિનસાંપ્રદાયિક સાથીઓ અને વધારામાં કેન્દ્ર સરકાર ઓછી જવાબદાર નથી.

ઇસ્લામિક ત્રાસવાદની સમસ્યાને વોટ બ"ન્કના રાજકારણ સાથે જોડી દઈ કાઁગ્રેસ પક્ષ તથા કેન્દ્ર સરકારે બિનસાંપ્રદાયિક રાજનીતિની મોટી કુસેવા કરી નાખી છે. મુસ્લિમ વોટ બ"ન્કનો આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ઉપયોગ કરવા કેન્દ્ર સરકાર ત્રાસવાદ-વિરોધી કડક કાયદાઓ બનાવતી નથી તેવી લાગણી સ્થિર થતી રહી છે. આ પરિસ્થિતિને પરિણામે માલેગાંવ પ્રકરણમાં હિંદુ સંતો તથા સૈનિકોને સંડોવી દેવામાં આવ્યા છે તેવા ભાજપ તથા સંઘના આક્ષેપોને માનનારો મોટો વર્ગ અસ્તિત્વમાં આવી રહ્યો છે.

માલેગાંવ પ્રકરણમાં મહારાષ્ટ્રની કાઁગ્રેસ સરકારની પોલીસ જે દિશામાં તપાસ ચલાવી રહી છે તેમાં ખરેખર સચ્ચાઈ છે કે પછી ભાજપ અને સંઘ પરિવાર હિંદુ સંતોની ગલત સંડોવણીના જે આક્ષેપો કરી રહ્યો છે એ બેમાં શું સાચું તેનો ફેંસલો આવતા તો વર્ષોવીતી જવાના છે. અત્યારે આ વિવાદ ચરમસીમાએ આગળ વધતો ચાલ્યો છે કારણ કે કાઁગ્રેસ અને ભાજપ બંને આવી રહેલી દિલ્હી, મઘ્યપ્રદેશ, રાજસ્થાન તથા છત્તીસગઢની ચૂંટણીઓમાં તેનો લાભ લેવા માગે છે.

malegavપ્રથમ દ્દષ્ટિએ એવું લાગે છે કે દિલ્હીની જામિયાનગરની પોલીસ અથડામણના જે વિપરીત પડઘા સમગ્ર મુસ્લિમ સમાજ પર પડયા છે તે માલેગાંવના હિંદુ-આતંકવાદના ભૂતને ધૂણાવાથી શાંત થાય તેમ નથી.

સંભવત: આ પરિસ્થિતિમાંથી કાઁગ્રેસને હિંદુ અને મુસ્લિમ બંને મતોમાં માર પડે તેમ છે. ૨૦૦૭ની ગુજરાતની ચૂંટણીમાં ‘મોતના સોદાગર’ વાળું સોનિયા ગાંધીનું સંબોધન જેમ બૂમરેંગ થયું તેમ માલેગાંવનો હિંદુ-આતંકવાદ આગામી ચૂંટણીઓમાં બૂમરેંગ થાય તો આશ્ચર્ય થાય તેમ નથી!



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: