Entertainment
Bollywood
Zarookho Zarookho ફિલ્મ રિવ્યુ દસવિદાનિયા
૩૭ વર્ષનો અપરિણીત એકાઉન્ટ મેનેજર અમર કૌલ બોસથી દબાયેલો, ગભરુ, સરળ સ્વભાવનો તથા ‘કરવાના કામ’ની યાદીમાં ‘ઘરનું ગિઝર સમું કરાવવું’એ અગ્રતાક્રમે છે. આ અમરના જમણા હાથમાં જાતભાતના ધાગા-દોરા અને આંગળીઓમાં વીંટીઓ જોઈ એના ગિટાર શિક્ષક પૂછે છે ‘લાઈફ મેં કુછ પ્રોબ્લેમ હૈ?’ ત્યારે એ જવાબ વાળે છે ‘લાઈફ ઈઝ માય પ્રોબ્લેમ.’ શશાંત શાહ દિગ્દર્શિત ‘દસવિદાનિયા’ સ્ટારવિહોણી છે પણ પરફોર્મન્સ ઓરિયેન્ટેડ છે. પાત્રો અને પરિસ્થિતિ જેટલા સરળ છે, એટલી જ પ્રવાહી એની રજૂઆત છે અને આ બધાથી પર એટલે આ ફિલ્મ હૃદય અને આત્મા બન્ને ધરાવે છે. એક સામાન્ય માણસ જે ટૂંકા ગાળામાં મરવાનો છે અને એ વાતની એને ખબર છે, આ વિષય આમ તો નવો નથી પણ, ‘દસવિદાનિયા’માં વિનય પાઠકનો અભિનય અને ટૂંકી વાર્તા વાંચતા હોઈએ એવી અનુભૂતિ કરાવતી પટકથા ફિલ્મને અલગ જ સ્તરે લઈ જાય છે.
અમર કૌલ (વિનય પાઠક) ૩૭ વર્ષનો છે. સારી નોકરી ધરાવે છે. અપરિણીત છે અને બધિર અને સનકી મા (સરિતા જોશી) જોડે રહે છે. અકરાંતિયાની જેમ ખાતો બોસ નિરંજન દાસગુપ્તા (સૌરભ શુકલા) અમર પાસે ઢોરની જેમ કામ લે છે. સ્વાર્થી અને કામચોર સહકર્મચારીઓ દાઝેલા અમરને ડામ દેવાની એકેય તક જતી નથી કરતા. હજી તો અમર વિશે પ્રેક્ષકજી વધુ જાણે એ પૂર્વે જ ખબર પડે છે કે અમરને પેટનું કેન્સર થયું છે જે ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે અને હવે એના જીવનના માત્ર ત્રણ મહિના બાકી છે. રોજબરોજ ‘કરવાના કામ’ની ક્ષુલ્લક યાદી બનાવતો અમર મરતા પહેલાં કરવાના દસ કામની યાદી બનાવે છે અને પછી મચી પડે છે એ યાદીમાંનાં કામ પૂરાં કરવા. અમુકમાં એને અનાયાસે સફળતા મળે છે તો અમુક કામ એને જીવનની વરવી, વાસ્તવિક અને પોતે ન જોયેલી બાજુથી વાકેફ કરાવે છે. આ મુસાફરીમાં ગરિમા (પૂર્વી જોશી), નેહા ભનોત (નેહા ધૂપિયા), રાજીવ ઝુલ્કા (રજત કપૂર), નાનો ભાઈ વિવેક (ગૌરવ ગેરા), તાતાન્યા (શ્વેતલાના), ગિટાર માસ્ટર સાવિયો (જોય ફર્નાન્ડિઝ) જેવા લોકોના જીવનમાં અમર એક અમર છાપ છોડી જાય છે.
‘દસવિદાનિયા’ની બેસ્ટ બાબત એ છે કે સંવેદનશીલ વિષયને ખૂબ જ ઘ્યાનથી ન્યાય અપાયો છે. ન કયાંય મેલોડ્રામા છે, ન કારણ વગરનું રડવું. આમ છતાં, અમુક દૃશ્યો આંખના ખૂણા ભીનાં થઈ જાય છે તો કયાંક અજાણતા જ હોઠના ખૂણા પહોળા થઈ જાય છે. અભિનયમાં વિનય પાઠક ક્રિકેટ કે ફૂટબોલનું નહીં પણ ગોલ્ફનું મેદાન મારી જાય છે. નાનાં-નાનાં પાત્રો પણ ફિલ્મને એક અલગ જ આયામ બક્ષે છે. અરશદ સૈયદની પાટકથા અને સંવાદો દર્જેદાર છે. જોકે સેકન્ડ હાફની લંબાઈ હજી પંદરેક મિનિટ ઓછી હોત તો મજા પડી જાત. દરેક પાત્ર યાદ રહી જાય એવું છે. સામાન્ય માણસ કઈ રીતે વિચારે છે તથા વર્તે છે એ સાથે દરેક જણ કયાંકને કયાંક પોતાની જાતને સાંકળી શકશે. વીકએન્ડમાં ચોક્કસ જોઈ નાખવા જેવી આ ફિલ્મ છે.
Name:
Email ID:
Comments:
Code: