Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

નવો ગુજરાતી કહેવતકોશ

રતિલાલ નાયક ખરા અર્થમાં કોશકાર છે. કોશક્ષેત્રે એમણે શરૂઆત માઘ્યમિક શાળાના વિધાર્થીઓને જોડણી અને અર્થમાં ઉપયોગી થાય એવા ‘નાનો કોશ’ થી કરી. પછી એમાં બીજી માહિતી ઉમેરતા ગયા. એ કોશ એટલો વિધાર્થીઓનો માનીતો થયો કે તેની સંખ્યાબંધ આવૃત્તિઓ થઇ. પછી રતિલાલ નાયકે અંબાલાલ પટેલની સહાયથી હિંદીમાં ‘નન્હાકોશ’ આપ્યો. હિંદીમાંથી -ગુજરાતીમાં અને ગુજરાતીમાંથી હિંદીમાં અર્થ, ઉપરાંત હિંદી. ગુજરાતીમાં શબ્દ એક પણ જુદા અર્થ હોય, જોડણી જુદી થતી હોય, લિંગભેદ થતા હોય- એવી બધી ઉપયોગી સામગ્રી પણ જોડી.

પરંતુ એમને આ નાના કોશોની સફળતાથી સંતોષ ન થયો. એમણે ગુજરાતીનો ‘મોટો કોશ’ આપ્યો, વિધાપીઠના સાર્થ જોડણી કોશની સરખાઇ કરે એવો અને એવડો. એ કોશ પણ એટલો આવકાર પામ્યો કે ૧૦ વર્ષના ગાળામાં આ કોશની છ આવૃત્તિઓ થઇ, તેમાં છઠ્ઠું મુદ્રણ તો સંવધિર્ત કરેલું છે. એ ભૂમિકાએ એમણે ‘બડાકોશ’ કર્યો, જેમાં હિંદી શબ્દોના ગુજરાતી પર્યાયો છે. રતિલાલ નાયક સંસ્કૃતના પણ શિક્ષક રહેલા એટલે એમની કોશલીલા સંસ્કૃત સુધી વિસ્તરી અને સંસ્કૃત-ગુજરાતીનો ‘બૃહત્ કોશ’ એમણે તૈયાર કર્યો. રતિલાલ નાયક એટલે એકદમ ચોકસાઇ. આ બધા કોશની જોડણી અને અર્થ પરત્વે ભરોસો રાખી શકાય.

આ બધા કોશ કર્યા પછી, જે કોશ કરવાની એમના મનમાં વરસોથી ઇરછા હતી એવો ગુજરાતી ભાષાનો ‘રૂઢિપ્રયોગ’ કોશ તૈયાર કર્યો અને હવે તાજેતરમાં જ એના સાથી કોશ સમો વિશાળ ‘કહેવત કોશ’ એમના જીવનની ૮૭ વસંતો વીતી છે, ત્યારે લઇને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ગુજરાતી ભાષાની તેમણે કરેલી આ સેવા અમૂલ્ય છે. અક્ષરા પ્રકાશન પણ અભિનંદનને પાત્ર છે, કે સુરુચિપૂર્ણ આવરણ અને શુદ્ધમુદ્રણ સાથે આ કોશ સાહિત્યનું પ્રકાશન કરે છે.

અહીં એક અંગત વાતનો ઉલ્લેખ કરું છું. આ રતિલાલ નાયક એટલે સર્વ વિધાલય, કડીમાં હું જયારે આઠમા ધોરણમાં ત્યારે અમારા વર્ગશિક્ષક. સંસ્કૃતનો મારો પાયો એમણે નાખ્યો છે. નવમા ધોરણમાં અમને ગુજરાતી ભણાવતા. તેમાં પાઠયપુસ્તક ઉપરાંત ‘રાઇનો પર્વત’ વિશેષ વાચનનું પુસ્તક. પણ અમને એવી રીતે ભણાવ્યું કે સ્નાતક વર્ગોમાં ભાગ્યે જ કોઇ અઘ્યાપક આટલી સજજતાથી ભણાવતા હશે, એ વખતે સર્વ વિધાલયના આચાર્ય નાથાલાલ દેસાઇના સૂચનથી તેમણે જોડણીના સરળ નિયમો ઉદાહરણો સાથે તૈયાર કર્યા, જે અમારી નિબંધલેખનની શાળા તરફથી લેવી પડતી નોટના પૂઠા ૨, ૩ અને ૪ પર છપાતા. ગુજરાતી ભાષાની જોડણીની તેમની આ ચીવટ ૧૯૫૦ના વર્ષથી હું જોતો આવ્યો છું. આજે સાઠ વર્ષથી એ ઉપાસનાનું ફળ આ જુદા જુદા કોશરૂપે આપણને મળે છે.

ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવી હોય તો એમાં સર્જનાત્મક સાહિત્ય ઉપરાંત વિશ્વકોશ, પર્યાય કોશ, પારિભાષિક કોશ, પૌરાણિક કથાકોશ અધતન કક્ષાએ નિર્મિત થતા રહેવા જોઇએ. આજે આપણે ઓકસફોર્ડના અનેક ભાષાઓના અનેક પ્રકારના કોશ જોઇએ તો આપણને થાય આપણી ભાષાઓમાં આવું કોશ સાહિત્ય કયારે રચાશે? એક સમયે ૧૯મી સદીમાં નર્મદે એકલે હાથે ‘નર્મ કોશ’ તૈયાર કર્યો હતો, ગુજરાતી ભાષાનો એ સર્વપ્રથમ કોશ. પણ આપણા રૂઢિપ્રયોગોનો કોશ કરવાનો વિચાર દલપતરાયને આવ્યો. તે પછી મગનલાલ વખતચંદ શાહે ૧૭૦૦ કહેવતો સાથેનો કોશ ૧૮૫૧માં ‘કથનાવળી’ નામથી આપેલો. તેમાં રતિલાલ નાયકે નોંઘ્યું છે તેમ સુભાષિત પ્રકારની કહેવતો પણ સંઘરાઇ છે - જેમ કે :

પાપ કરતાં વારીએ, ધર્મ કરંતાં હા,
બે મારગ બતલાવીએ, પછી ગમે ત્યાં જા.

એ પછી એક ઘ્યાનપાત્ર કોશ તે ગુજરાતી કહેવત સામે સમાંતર અંગ્રેજી કહેવત આપતો ડી.ડી. દલાલે ૧૮૮૯માં તૈયાર કરેલ ‘ગુજરાતી પ્રોવબ્ર્સ વિથ ધેર ઇકિવવેલેન્ટ્સ’ નામથી આવેલો, તે છે. જેમ કે - ચોરનાં પગલાં ચોર ઓળખે = સેટ એ થિફ ટુ કેચ એ થિફ. મને લાગે છે આવા કોશની અત્યારે બહુ જરૂર છે, અને નવા કોશકારોને પડકાર રૂપ છે.

અહીં ગુજરાતીમાં થયેલા ‘કહેવત કોશ’નો ઇતિહાસ નથી આપવો, પણ પારસી લેખક જમસેદજી નસરવાનજી પીતીતના સંગ્રહ ‘કહેવતમાળા’નો અવશ્ય ઉલ્લેખ કરવો જોઇએ. નાયકે નોંઘ્યું છે કે આ કોશના સંપાદકે સો જેટલાં પાનાંમાં ‘કહેવત વિશે નિબંધ’ લખ્યો છે! એ પછી આશારામ દલીચંદ શાહના ‘ગુજરાતી કહેવતસંગ્રહ’ ને પણ યાદ કરવો જોઇએ.

રતિલાલ નાયકે પોતાનો આ ‘કહેવત કોશ’ તૈયાર કરવા માટે પીતીતના કોશની સામગ્રીનો વધારે ઉપયોગ કર્યો છે, એનો નમ્રભાવે સ્વીકાર કર્યો છે. નાયકે એ કોશ પર જે પારસી મુદ્રા હતી તે દૂર કરી છે અને સમયના વહેવા સાથે મળેલી નવી કહેવતો ઉમેરી ગુજરાતી કહેવતકોશને અધતનરૂપ આપ્યું છે. કોશકારે આ કહેવતો શાના આધારે પડી હશે, તેનાં કથાનકો આપ્યાં છે. ખરેખર તો એ પછીથી ઉપજાવી કઢાવામાં પણ આવ્યાં હોય. જે હોય તે, પણ એક એક કહેવત એટલે સદીઓથી સંચિત અનુભવજનિત ડહાપણની ધારદાર અભિવ્યકિત, એટલી જ ચોટડુક. આપણા સમાજમાં જાતિપ્રથા એટલી દૃઢમૂળ છે કે જાતિઓ વિશેની, મોટે ભાગે ટીકાત્મક કહેવતો વધારે મળે. નાયકે એટલે કોશમાં જુદી જુદી નાતોનો અને અટકોનો પણ પરિચય ઉમેર્યો છે. કહેવતનો અર્થ જોવા માટે તો ખરો જ, અમસ્તા મનોવિનોદ માટે પણ આ કોશ પઠનીય છે. આજે દરેક નાતિ, જાતિ એટલી અસહિષ્ણુ થવા માંડી છે કે નાતજાતની ટીકામૂલક કહેવતો કાઢી નાખવા વારો આવે.

કોશકારે અહીં લગભગ બાર હજાર કહેવતોનો સંગ્રહ આપ્યો છે અને દરેક કહેવતનો અર્થ આપવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. કયારેક સંદર્ભ જોનારને બીજો અર્થ પણ સૂઝે. ભાષાની સમૃદ્ધિ, ખાસ તો ધારદાર રજૂઆતનો આધાર એની કહેવતો અને રૂઢિપ્રયોગો છે. આપણી આજકાલની ભાષામાં આ શસ્ત્ર હવે બૂઠું થતું જાય છે અથવા વપરાતું નથી, ત્યારે રતિલાલ નાયકે આ કહેવત કોશ આપી અભિનંદનીય વિધાકાર્ય સમ્પન્ન કર્યું છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: