Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

સુનો સુનો અય દુનિયાવાલો, ઓબામા કી અમર કહાની

આ છપાય ત્યાં સુધીમાં તમામ વાચકોએ ઓબામા વિશે જાણવા જેવું બધું જાણી લીધું હશે કેમકે આ ક્ષણે બરાક હુસૈન ઓબામા આ પૃથ્વી ઉપરનો સર્વોરચ પ્રશસ્ત, સર્વાધિક ચર્ચિત ને છાયાંકિત માનવી છે. બાવીસ માસની તાલ સે કદમ, એક દો ! એક દો! કરીને સટ સટ ચાલતી કાળી કીડીઓની કતાર જેવી શિસ્તબદ્ધ, એકલક્ષ, કમરતોડ, અઢીસો વર્ષના ઇતિહાસમાં બેમિસાલ ચૂંટણી ઝુંબેશના પરિપારક રૂપે ઓબામા આમ તો કેવળ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયા છે કિંતુ તેમની સુનામી જેવી અસર એવી છે કે આખી દુનિયા તેમને કોઈ પયગંબરી અભિનિવેશથી તાકી રહી છે.

કહેવું અઘરું છે કે તેનું કારણ બુશની બેવકૂફી છે કે ઓબામાની હોંશિયારી કેમકે આ દેશ અને દુનિયા બુશથી એટલી ત્રાસેલી છે કે ઓબામા ન ચૂંટાયા હોત તો કદાચ સિવિલ વોર થઈ જતું અને તેમાં ફકત કાળા અમેરિકનો જ ભાગ લેત એમ નથી, ગોરા, પીળા ને બદામી અમેરિકનો પણ તેવા જ ઝનૂનથી તૂટી પડતા, બસ, હવે બસ કરો, ‘ચેઇન્જ’ લાવો !

આજે ૫ નવેમ્બર છે ને ગઇકાલની રાતથી આજની પરોઢ સુધી આ શું થયું તેની ચર્ચા, છણાવટ ને ભવિષ્યવાણીઓથી ટીવી, કેબલ ને ઇન્ટરનેટ ઝરમરતાં હતાં. ને જાન્યુઆરીની ૨૦મી તારીખે ઓબામા ઓવલ ઓફિસમાં બેસશે ત્યાં સુધી ઝરમરતા રહેશે. ભાંગીને ભુક્કો બની ગયેલા આ દેશનો નવો ભાગ્યવિધાતા કોના માટે કેવો નીવડશે તેના પરસ્પર વિરોધી બયાન ઊછળતાં રહેશે ને દેશભરમાં લોકોનાં ટોળાં ગુલામ વંશનો નવો રાજા ચૂંટાયાનું બેફામ જશન છાકટા થઈને રસ્તાઓ, કસ્બાઓ, સ્ટેડિયમોમાં ઠલવાઈને ઠેકી ઠેકીને ઊજવતા રહેશે : યસ વી કેન ! યસ વી કેન !

આહ ! કેવું સરસ ! મન તો કલ્પના કરે કે ૪ નવેમ્બરની રાતના અગિયાર વાગ્યે ઓબામા વિજયી ઘોષિત થયા તે ક્ષણે આકાશમાંથી દેવદૂતો ફૂલો વરસાવતાં હતાં, કેમકે સન ૧૯૬૪માં કાળા ને ગોરાઓનો ભેદ કાયદેસર ધોરણે નાબૂદ કરીને મકાનો, હોટેલો, બાર, રેસ્ટોરાં, સૈન્ય તથા ખેલનાં મેદાનોમાં તમામ નાગરિકોને સમાન અધિકાર બક્ષનાર પ્રેસિડેન્ટ જહોનસનની ઉમેદ અને માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરનો ‘આઈ હેવ એ ડ્રીમ’નો પોકાર આટલા ટૂંકા અરસામાં આવી તિલસ્મી બુનિયાદ પર સાક્ષાત્ થયો ! અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી તાદાદમાં, લગભગ ૮૦ ટકા મતદારોએ ભાગ લીધો. ઘરડાં, લૂલાં, જુવાનિયાં, ફિલ્મસ્ટાર ને રોકસ્ટાર, ગાયકો, વિદૂષકો, ટોક શોના યજમાનો, સ્ત્રીઓ ને પુરુષોએ ઝનૂનથી, મમતથી ચાર ચાર, છ છ કલાક લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું. ગગનવાલાની ¼ષ્ટિએ તેમાં એક જણ ખાસ બાકાત હતું ને તે હતા ગગનવાલા ખુદ પોતે.

દર ચૂંટણીમાં ધાર્મિકતાથી ઉમેદવાર માણસ હોય તો માણસ ને ગઘ્ધું હોય તો ગઘ્ધું પણ ડેમોક્રેટિક પાર્ટીનું હોય તેને મત આપતા હતા અને આ ઐતિહાસિક ચૂંટણીમાં ઘરમાં બેઠાં બેઠાં ગગનવાલા પાના રમતા હતા ? વ્હાય ? એક સામાજિક કાર્યોમાં સક્રિય લેખિકાએ અમને પોતાના ખર્ચે ફોન કરીને તતડાવ્યા કે જાઓ, ગેટ અપ એન્ડ ગો ! બી કાઉન્ટેડ ! પરંતુ ગગનવાલાના ગાગરપેટનું પાણી હાલ્યું નહોતું. બરાબર છે, મેક્કેઇનની નીતિ ખોટી છે, ને પાલિનનો ઠસ્સો પોકળ છે, પણ ન્યૂ જર્સીમાં ઓબામાની જીત મુકર્રર છે, અમારા એક મતથી કશું મોળું થવાનું નથી. પણ ખરું કારણ તે છે કે અમને ‘હબક’ બેસી ગઈ છે, જયારે જયારે ઓબામાને બોલતા સાંભળીએ છીએ ત્યારે ત્યારે મુગ્ધ થઈએ છીએ, એમની સામે થતા આક્ષેપો હસી કાઢીએ છીએ.

પરંતુ કયાંક કાંઈક કાયમ મૂંઝવે છે અમને. મીઠી વાણી વેરીને વૈરીને વશ કરતો આ ઈસમ કોણ છે તેની પકડ આવતી નથી. એક ‘પ્રિ-પ્રોગ્રામ્ડ’ રોકેટની જેમ વણથંભી વેલોસિટીથી આકાશમાં આરોહણ કરનાર આ અતિમાનવ-શી વ્યકિત ખરેખર એક ‘વ્યકિત’ છે કે કોઈ અ¼શ્ય મંડળી ? કેવળ તે કાળો છે તે કારણે તેને વોટ આપીએ તે ‘રંગદ્વેષ’ નથી? દુનિયા આખીમાં મહિલા રાષ્ટ્રનાયક થયાં હોવા છતાં હજી અમેરિકા સંપૂર્ણ સજજ મહિલાને સ્વીકારી શકે તેમ નથી, ફકત તે કારણે કે તે મહિલા છે, તે ‘લિંગદ્વેષ’ નથી ? અમારું મનમર્કટ અળવીતરા ચાળે છે : ઓબામા માણસ દેખાવડો છે, ચુંબકીય પ્રતિભાવાળો છે, અદ્ભુત વકતા છે ને બુશની અગ્નિવર્ષામાંથી ત્રસ્ત પ્રજાને ‘ચેઇન્જ’નો પાવો વગાડતાં વગાડતાં વામન પગલે વ્હાઈટ હાઉસ ઉપર ચઢી આવવાનું ચાતુર્ય ધરાવે છે.

obamaવિધિનો કેવો વિલાસ છે કે કાળા અમેરિકનો પોતાની જાતભાઈને ચૂંટીને કતકત્યતા અનુભવે છે તે ગોરા અમેરિકનો એક કાળા માણસને રાષ્ટ્રપ્રમુખ બનાવી પૂર્વજોનાં પાપનું પ્રાયિશ્ચત્ત કરે છે. અમેરિકાએ અને વિશ્વ આખાએ અનેક આશાઓ, મંશાઓ આ એક માણસના માથે આરોપી છે. વિધિ કરે ને સર્વે સારાં વાનાં થાય ને તેની છાલક બીજાને ત્રીજા વિશ્વને તરબતર કરે. યસ વી કેન ! યસ વી કેન ! ઓહ. પણ એમ ન થાય તો ?

બસ, ગગનવાલાને આ ઉચાટ છે. ગગનવાલા બાધાઈના ‘બરાક’ છે, રાજનીતિની કે સમાજશાસ્ત્રની કે અગડમની કે બગડમની સહેજેય સમજણ નથી ને કોઈ પણ ચીજ ‘આમ’ જ હો તેવું મુક્કા ઉછાળીને કહી શકે તેમ નથી. ગગનવાલાને કાયમ આશંકા હોય છે કે ‘એમ’ કદાચ ન હોય તો ? અમને ઉચાટ એ છે કે આજે મહાત્મા ગાંધી જેટલા પાવરથી જેણે દેશ ને દુનિયાની નજર બાંધી લીધી છે તે માણસે, ગાંધીજી, જેટલો યશ, જાતે, સ્વહસ્તે, હજી, અર્જિત કર્યો છે ?



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: