Gujarat
Rajkot City Rajkot City
ગુજરાતના પ્રસિદ્ધિ શાયર આદિલ મન્સૂરીની વિશ્વને અલવિદા
ગુજરાતી ગઝલ ક્ષેત્રે જેમનું નામ ચાર દાયકાથી પણ વધારે અરસાથી અવિચળ છે અને જેની ગઝલોની શમાનું નુર જગતભરનાં ગુજરાતીઓને મળી રહ્યું છે તેવા મૂળ અમદાવાદના શાયર જનાબ આદિલ મન્સૂરીનું ૭૨ વર્ષની વયે ગુરુવાર તા.૬ નવેમ્બરે ન્યૂજર્સીમાં અવસાન થયું છે. વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલાં આદિલ મન્સૂરીના હૃદયમાં અમદાવાદ અને ગુજરાત સતત ધબકતા હતા.
પ્રસદ્ધિ શાયર આદિલ મન્સૂરીના પુત્રવધુ અંજુબહેને ન્યૂજર્સીથી દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે શાયરને હાર્ટએટેક આવતા તેમની ન્યૂજર્સીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, જયાં તેમનું નિધન થયું હતું. મનહર ઉધાસે ગાયેલી ‘‘જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે’’ તે ગઝલથી ભલે આદિલભાઇ પ્રચલિત છે પરંતુ તેમણે ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. હજુ ગયા મે મહિનામાં આદિલ મન્સૂરીને વલી ગુજરાતી ગઝલ એવોર્ડ મળ્યો ત્યારે તેઓ અમદાવાદ આવ્યા હતા.
આદિલ મન્સૂરી ૧૮મી મે ૧૯૩૬ના રોજ હાલના પાકિસ્તાનના કરાંચીમાં જન્મ્યા હતાં. તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. આદિલ મન્સૂરીનું બાળપણ સંઘર્ષમય રીતે વિત્યું હતું. દેશના વિભાજન પછી તેમના પિતાએ કરાંચી જવાનો નિર્ણય લીધો ત્યારે મોટા ભાઇ બહેનો તો ન ગયાં પરંતુ આદિલ ત્યારે ત્રીજા ધોરણમાં જ ભણતા હતા અને તેથી તેમણે ત્યાં જવું પડયું. પણ પછી ફરી એકવાર પિતાજીએ વતન આવવાનો નિર્ણય લીધો અને આદિલ અમદાવાદ વસ્યા હતા.
ત્યાર બાદ જયારે પાકિસ્તાનનો પાસપોર્ટ રિન્યુ કરાવવાની વાત આવી ત્યારે પાકિસ્તાન એમ્બેસીએ તેનો ઇન્કાર કર્યોઅને પાકિસ્તાને પ્રવેશ આપવાની ના પાડી. સ્થિતિ એવી હતી કે કદાચ તેમણે નોમેન્સ લેન્ડમાં જવું પડે. આ મનોવ્યથા જે રીતે વ્યકત થઇ અને અપપ્રચારની એક આંધી શરૂ થઇ ત્યારે જે રચના આદિલના હૃદયમાંથી નીકળી તે જગપ્રસદ્ધિ છે. ‘‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર મળે ના મળે’’ અને આજે આદિલના ચાહકો કહી રહ્યા છે, રડી લો આજ સંબંધોને વિંટળાઇ અહીં પછીથી કોઇને કોઇની કબર મળે ના મળે. આદિલ મન્સૂરીએ તેમની પ્રથમ ગઝલ પાકિસ્તાનમાં લખી હતી. ઊર્દુ અને ગુજરાતી બંનેમાં ગઝલકર્મ કર્યું છે.
આદિલ મન્સૂરી શાયર હોવા ઉપરાંત એક સારા પેઇન્ટર હતા અને કેલીગ્રાફીમાં માહિર હતા. ગઝલ ગુર્જરી ડોટ કોમ મેગેઝીન દ્વારા તેમણે ગઝલનું વિસ્તરણ અમેરિકાથી પણ ચાલુ રાખ્યું હતું. જો કે રેમઠના મિત્રોએ રે મગેઝીન શરૂ કર્યું ત્યારે પ્રેસને ચૂકવવાના પૈસા નોતા તો આદિલ મન્સૂરી મિત્રો સાથે યુનિવર્સિટીની બહાર બુટ પોલીસ કરવા પણ બેસી ગયા હતા. આવા અનેક સંભારણા આદિલ સાથે છે. ગહન ગઝલો લખનાર આદિલ મન્સૂરી વઘારેલી ખિચડી પણ સ્વાદિષ્ટ બનાવતાં.
નૂતન ભાષા શૈલીમાં પ્રતિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા. આજે જાણે તેઓ કહી રહ્યા છે ‘‘તમામ ઉમ્ર મને જિંદગીએ લૂંટયો છે મરણના હાથમાં પહોંચી હવે સુરક્ષિત છું’’
કવિ રાજેન્દ્ર શુકલને બાપુનું બિરૂદ આદિલ મન્સૂરીએ આપ્યું હતું અને તે તેમના લાંબા વાળ અને દાઢીને કારણે નહીં પરંતુ ૧૯૬૩માં રાજેન્દ્રભાઇ અમદાવાદ ગયા ત્યારથી બંધાયેલી દોસ્તીના નાતે તેમના કાડિયાવાડી મિજાજને પારખીને આ બિરૂદ આપ્યું હતું. રાજેન્દ્રભાઇ માટે સંસ્કત અઘ્યાપકની જાહેરખબરો અખબારમાં જોઇને અરજી કરવાનું પણ તે જ કહેતાં. ચીનુ મોદી, લાભશંકર ઠાકર, સુભાષ શાહ, મનહર મોદી સહિતના મિત્રો સાથે આદિલનું ગજબ અનુસંધાન હતું.
આદિલ મન્સૂરી ગુજરાતી ગઝલનો બુલંદ સિતારો : મોદી
ગુજરાતી ગઝલ ક્ષેત્રે શિરમોર ગઝલકારોમાં એક ગણાતા આદિલ મનસૂરીનું નિધન થતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે, મનસૂરીના નિધન સાથે ગુજરાતી ગઝલનો બુલંદ સિતારો ખરી પડયો છે.
આદિલ મન્સૂરીના કેટલાક શેર
છત્રીઓ, રેઇનકોટો, ગમસુઝ, વોટરપરુફ હેટ, માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં
ચાલતાં સાથે નીકળતાં યાદ છે શહેરનાં એક એક રસ્તા યાદ છે
દિલાસાનું માપ કે ધોરણ ન પૂછો મળ્યું ઝાકળ તો તે પણ પી ગયો છું
મકાનોમાં લોકો પૂરાય ગયા છે કે માણસને માણસનો ડર હોય જાણે
Name:
Email ID:
Comments:
Code: