Vishesh
Vignan & Technology Vignan & Technology ઇન્ટરનેટ પર ગાંધીજીની શોધ આરંભીએ એટલે નેચરલી શ્રીગણેશ તો ગૂગલથી જ થાય. ગૂગલ પર ‘ગાંધી’ શબ્દ લખીને સર્ચ મારો એટલે ગૂગલની સ્ટાઇલ પ્રમાણે ‘૦.૦૫ સેકન્ડ’માં ૩ કરોડ વેબ પેજિસ હાજર થઇ જાય છે. પરંતુ એમાં તો પહેલે પાને રાજીવપુત્ર રાહુલ અને પાપા રાજીવ પણ દેખાય છે, એટલે સર્ચમાં સુધારો કરીને ‘મહાત્મા ગાંધી’ કરીએ, તો ૫૨ લાખ ૭૦ હજાર વેબ પેજિસ મળે છે, પરંતુ ‘મોહનદાસ ગાંધી’ની શોધમાં નીકળીએ તો ૫ લાખ ૧૧ હજાર વેબ પેજિસ મળે છે! મતલબ કે ગાંધીજીને ‘મોહનદાસ’ કરતાં ‘મહાત્મા’ ગણાવનારાંઓની સંખ્યા ખાસ્સી મોટી છે!
સંપૂર્ણપણે ગાંધીજીને વરેલી સાઇટ્સમાં
વગેરેનાં ઠેકાણાં મળે છે. અહીં મોટે ભાગે બાપુની જીવનકથા, ટાઇમલાઇન, વિચારધારા, તેમનાં કાર્યો, તેમનાં લેખો-પત્રો, ભાષણો, કવોટેશન્સ, તસવીરો વગેરે હોય છે. ઉપરાંત બાપુનાં પુસ્તકો, સીડીઝના ઓનલાઇન શોપિંગની વ્યવસ્થા પણ છે.
ઓનલાઇન ફ્રી એન્સાઇકલોપીડિયા વિકિપીડિયા પર ગાંધીજી વિષયક સારી એવી માહિતી છે. જેમાં વખતોવખત સળી થયાના વાવડ આવતા રહે છે, તે તેની ગુજરાતી આવૃત્તિમાં બાપુ પર અને સાબરમતી આશ્રમ પર ગુજરાતીમાં એક એક લેખ છે ખરા. એમ તો કો’કે નથુરામ ગોડસે પર પણ ગુજરાતીમાં લેખ લખવાનું શરૂ કરીને અડધેથી છોડી દીધો છે.
અફસોસની વાત એ છે કે નેટ પર બાપુ વિશે ગુજરાતીમાં સામગ્રી સાવ ઓછી છે. ગૂગલની ગુજરાતીમાં સર્ચની સગવડનો લાભ લઇએ તો ‘ગાંધીજી’ નામ વિશેના ૧૩,૮૦૦ વેબપેજિસ મળી આવે છે. બેંગલુરૂથી શરૂ થયેલું સર્ચ એન્જિન ‘ગુરૂજી.કોમ’ ગુજરાતીમાં પણ સર્ચ કરવાની સવલત આપે છે.
ગાંધીજી જેના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા હતા એ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની વેબસાઇટ પર ફોટોગેલેરીમાં મોહનદાસ ક. ગાંધીની વિશાળ તસવીર અને નીચે આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, સામયિક સંપાદક, અનુવાદક ગાંધીજીનો ૩૩૬ શબ્દોમાં પરિચય આપ્યો છે. પરંતુ એમનાં પાંચ પુસ્તકોનાં નામ સિવાય ઝાઝી કશી માહિતી અપાઇ નથી. એ જ રીતે બાપુએ સ્થાપેલી અને બાપુના તમામ પ્રકાશનોના કોપીરાઇટ અત્યારે જેની પાસે છે એ સંસ્થા નવજીવન ટ્રસ્ટની આખી વેબસાઇટ જ અંગ્રેજીમાં છે!
એ સિવાય બાપુ વિશે કે બાપુ દ્વારા ગુજરાતીમાં લખાયેલાં જે છુટાછવાયાં લેખો, પ્રસંગો, આત્મકથાના ખંડો કે ઉદ્ધરણો ગુજરાતી બ્લોગ જગતમાં જ જોવા મળે છે. એમાં ‘ગુર્જરી.નેટ’, ‘બંસીનાદ.વર્ડપ્રેસ’, ‘ઉર્મિ.વર્ડપ્રેસ’ વગેરે નોંધનીય છે. બાકી તો વિવિધ ગુજરાતી અખબારોમાં છપાયેલાં ગાંધીજી વિષયક લેખોનો સમાવેશ થાય છે.
અક્ષરોને બદલે હરતાં ફરતાં ગાંધીજી જોવામાં રસ હોય, તો સૌથી મોટી ઓનલાઇન વીડિયો શેરિંગ સાઇટ ‘યૂ ટયૂબ’ પર આવવું પડે. ત્યાં ‘મહાત્મા ગાંધી’ લખીને સર્ચ મારો એટલે ૯૮૧ વીડિયોઝ મળી આવે. તેમાં ગાંધીજીના રેર વીડિયોઝ, ફોટોગ્રાફસ, સ્પીચ, કવોટ્સ, વિવિધ મુદ્દે બાપુના વિચારો વગેરેનું સંકલન કરીને મૂકાયેલા વીડિયોઝ નજરે ચડે. હિસ્ટ્રી ચેનલે ‘બાયોગ્રાફી’ સિરિઝમાં બાપુ પર બનાવેલો એપિસોડ પાંચ ભાગમાં ઉપલબ્ધ છે, એ ખાસ્સો રસપ્રદ છે. બાપુના જીવન અને સત્યની શોધની તેમની યાત્રાની વાત માંડતી ફિલ્મ ૩૦૯ મિનિટની ‘મહાત્મા- લાઇફ ઓફ ગાંધી’ ફિલ્મ આખે આખી ગૂગલ વીડિયોઝ પર ઉપલબ્ધ છે. ૧૯૬૮માં બનેલી આ ડોકયુમેન્ટરી ફિલ્મ ગાંધી નેશનલ મેમોરિયલ ફંડ અને ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનના સહયોગથી વિઠ્ઠલભાઇ ઝવેરીએ બનાવી છે.
ગાંધીજીને લઇને બનાવેલી ટેલિકોમ ઇટાલિયા કંપનીની એડ જોવા જેવી છે. ૨૦૦૪માં ઇટાલિની આ ટેલિકોમ કંપનીએ ઓરિજિનલ આર્કાઇવલ ફૂટેજ અને આધુનિક ટેકનોલોજીનું ફયૂઝન કરીને બનાવેલી આ એડમાં એવો ઘ્વનિ વ્યકત થયો છે કે ‘કાશ, ગાંધીજીના વખતમાં આવી ટેકનોલોજી હોત તો તેમનો સંદેશો કેટલી ઝડપથી વિશ્વભરમાં પહોંચાડી શકાયો હોત’! આ એડ જોવાની ઇરછા થાય, તો જસ્ટ કિલક: 
હવે વાત કરીએ સૌથી પોપ્યુલર અને વિવાદાસ્પદ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ‘ઓરકુટ’ની. ઓરકુટ પર બાપુની સૌથી મોટી કોમ્યુનિટીમાં ૩૨,૫૧૨ સભ્યો છે. (જો કે રસપ્રદ વાત એ છે કે ભગતસિંહ પરની સૌથી મોટી કોમ્યુનિટીમાં ખાસ્સા વધારે ૪૨,૬૩૬ સભ્યો છે!) સાડા ચાર વર્ષ પહેલા બનેલી બાપુની આ કોમ્યુનિટીમાં શાકાહાર, સત્યાગ્રહના ૧૦૦ વર્ષ વગેરેથી લઇને ૯/૧૧, ઓરિસ્સામાં થતી હિંસા વગેરે વિષયો પર ચર્ચાઓ થતી રહે છે. અહીં જ એક રસપ્રદ વાત જાણવા મળી. ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ પીડીએફ ફાઇલ રૂપે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને માત્ર એક જ કિલકથી ડાઉનલોડ કરી શકાય છે! અત્યારે તેમાં કોપીરાઇટનો ભંગ થાય છે, પરંતુ એ બહાને લોકો ગાંધીજીને પામી તો રહ્યા જ છે! એ ઉપરાંત ઓરકુટમાં અહિંસા, બ્રહ્મચર્ય વગેરે પર તો ઠીક પણ ગાંધીજીને ધિક્કારનારાંઓની કોમ્યુનિટીઓ પણ ધમધમે છે.
હોલિવૂડના કેટલાંક ભેજાંબાજોએ ગાંધીજીને લઇને એક ‘મોકયુમેન્ટરી’ ‘ગાંધી એટ ધ બેટ’ બનાવી છે. એની કાલ્પનિક કથા પ્રમાણે બાપુએ અમેરિકાની એક યાત્રા ખેડી હતી અને બેઝબોલની મેચ પણ રમેલા!
‘સિવિલાઇઝેશન-ફોર’ નામે વીડિયો ગેમમાં ભારતીય પાત્ર તરીકે સમ્રાટ અશોકની સાથે ગાંધીજીને પણ લેવામાં આવ્યા છે.
આજે ગાંધી કેટલાં પ્રસ્તુત’ એવી ચર્ચાઓ કરતા રહેવાની ઇટર્નલ ફેશન છે. વાસ્તવિક જગતને બદલે વરર્યુઅલ જગત એટલે કે ઇન્ટરનેટ પર ગાંધીજી કેવાંક છવાયા છે, એ કવાયત પણ ખાસ્સી ઇન્ટરેસ્ટિંગ છે. દુ:ખની વાત એ છે કે બાપુ જેને ‘માતાનું ધાવણ’ ગણાવતા એ માતૃભાષા ગુજરાતીમાં જ ઇન્ટરનેટ પર બાપુ સૌથી ઓછા જોવા મળે છે!
Name:
Email ID:
Comments:
Code: