હીચકારો હુમલો થતાં ૩૯ પોલીસ જવાનો ઘાયલ - બેની હાલત ગંભીર - પથ્થરમારામાં ૧૭ ઇજાગ્રસ્ત
થાણેસ્થિત રાબોડી વિસ્તારમાં નવશકિત નવરાત્રોત્સવ મિત્ર મંડળના શણગારેલા ગેટની તોડફોડ કરાયાની ઘટનાને પગલે મામલો બીચકતાં સોમવારે મોડી રાત્રે બે જૂથ સામસામે આવી જતાં કોમી દંગલ મચી ગયું હતું. સામસામે પથ્થરમારો થતાં અફડાતફડી મચી ગઇ હતી.
આ દુઘર્ટનામાં ૧૭ જેટલા નાગરિકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે પ્રયાસ કર્યો ત્યારે વીફરેલાં ટોળાંઓએ બેધડક રીતે પોલીસને જ નિશાન બનાવી ભારે પથ્થરમારો ચલાવતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. પોલીસ ટીમ પર થયેલા હુમલામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કુલ ૩૯ પોલીસ જવાનો ઘાયલ થયા હતા.
વીફરેલાં ટોળાંને અંકુશમાં લેવા પોલીસને ટિયર ગેસના સેલ અને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. પોલીસે કરેલા ફાયરિંગમાં ગોળી વાગતાં એક યુવકનું મોત નીપજયું હતું, જયારે અન્ય બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ભારેલા અગ્નિ જેવા માહોલ વચ્ચે સોમવારે મધરાત બાદ રાબોડી વિસ્તારમાં કફર્યું લાદી દેવાયો છે. તેમ જ મામલો વધુ બીચકે નહીં તે હેતુથી રેપિડ એકશન અને સ્ટેટ સકિયુરિટી ફોર્સની મદદ લેવામાં આવી હોવાનું થાણે પોલીસ કમિશનર અનિલ ઢેરેએ જણાવ્યું હતું.
રાબોડીના શાંતિનગર વિસ્તારમાં નવરાત્રોત્સવની ઉજવણીને લઇને બે જૂથ વચ્ચે વિવાદ થયો હતો. આ મુદ્દે ડીસીપી સાહેબરાવ પાટીલે બંને જૂથના આગેવાનો વચ્ચે ૨૭ સપ્ટેમ્બરે સમાધાન કરાવ્યું હતું.
નવશકિત મિત્ર મંડળે નવરાત્રોત્સવની ઉજવણી માટે તૈયારી કરી હતી. જોકે સોમવારે કેટલાંક તોફાની તત્ત્વોએ શણગારેલા ગેટની તોડફોડ કરી હતી. આ ઘટનાના વિરોધમાં સોમવારે સાંજે કેટલાક યુવકોએ પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર કર્યો હતો. તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તે દરમિયાન બીજા જૂથના યુવકો એકત્રિત થઇ ગયા હતા. પરિણામે સામસામે આવી ગયેલા બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું.
જોતજોતાંમાં બંને જૂથે એકબીજા સામે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે મઘ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તોફાની તત્ત્વોએ પોલીસ કર્મચારીઓને પણ નિશાન બનાવ્યા હતા.
આ ઘટના બાદ તોફાનીઓએ કેટલાંક વાહનો અને મકાન-દુકાનોને આગ ચાંપતાં મામલો વધુ બીચકયો હતો. હિંસા પર તરી બેકાબૂ બનેલા તોફાનીઓને કાબૂમાં લેવા આખરે પોલીસે ટિયર ગેસ સેલ અને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
પથ્થરમારો કરવામાં અગ્રણી રહેનારા યુવકોને નિશાન કરી ગોળીબાર કરાયો હતો. પોલીસ ફાયરિંગમાં ગોળી વાગતાં મોહસીન ખાન નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું, અન્ય બે યુવક રિઝવાન શેખ અને રિઝવાન મુલ્લા ગંભીર રીતે ઘવાયા હતા. રાબોડી વિસ્તારમાં સોમવારે રાત્રે દોઢ વાગ્યાથી કરફયુ લાદી દેવાયો હતો.
- મીડિયા પ્રતિનિધિઓ પણ હોસ્પિટલ ભેગા થયા
રાબોડી વિસ્તારમાં કોમી દંગલ ફાટી નીકળ્યું હોવા ઉપરાંત પોલીસ ટીમ પર પણ હિંસક હુમલો થયાની માહિતી મળતાં ઘટનાસ્થળે દોડી ગયેલા મિડિયા પ્રતિનિધિઓ પણ હુમલાખોરોના નિશાનથી બચી શકયા નહોતા.
પથ્થરમારામાં સ્થાનિક ન્યુઝ ચેનલના કેમેરામેન સાથે ડીએનએ અખબારના ફોટોગ્રાફર ગૌરવ કદમ ગંભીર રીતે ઘવાયા હતા. તેઓને સારવાર અર્થે નજીકમાં આવેલી જયુપિટર હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
- હિંસક ટોળાએ ત્રીસ વાહનો, દસ દુકાન-મકાનને સળગાવી
થાણેના રાબોડી વિસ્તારમાં નજીવી બાબતે આમનેસામને આવી બે જૂથે સામસામે પથ્થરમારો કરતાં હિંસક અથડામણ થઇ હતી. જોતજોતાંમાં બેકાબૂ બનેલા તોફાનીઓએ વિહિપ સંગઠનના સ્થાનિક નેતા વિક્રાંત ભોઇરની દુકાન અને મકાનને તેમ જ બાઇકને આગ ચાંપી દીધી હતી. પરિણામે જોતજોતાંમાં કોમી ભડકો ફેલાયો હતો અને મામલો વધુ બીચકયો હતો.
- ઉચ્ચ પોલીસ અધિકારીઓ લાચાર બની ગયા
હિંસક અથડામણને ખાળવા ઘટનાસ્થળે હાજર ડીસીપી સાહેબરાવ પાટીલ પણ ઇજાગ્રસ્ત થયા હતા. એટલું જ નહીં, ઘટનાની ગંભીરતા સમજી પરિસ્થિતિને કાબૂમાં લેવા ફરજ બજાવવા આવી પહોંચેલા એડિશનલ પોલીસ કમિશનર પ્રશાંત બોરુડે અને જોઇન્ટ પોલીસ કમિશનર મધુ શિંદે પણ હુમલાખોરોના નિશાનથી બાકાત નહોતા રહી શકયા.
Name:
Email ID:
Comments:
Code: