ઘણી પરંપરાઓમાં વૈજ્ઞાનિક સંદર્ભ જોવા મળે છે, પરંતુ પ્રગતિશીલ સમાજ તરીકે કેટલીક પરંપરાનો ત્યાગ કરવો જરૂરી
ભારતીય મઘ્યમવર્ગના લોકો વચ્ચેની વાતચીત દરમિયાન સૌથી વધારે સંભળાતો-વપરાતો શબ્દ કોઈ હોય તો તે છે-પરંપરા. પરંપરા આપણા જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. આપણે કેવી કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, કઈ રીતે વર્તન કરવું જોઈએ, કઈ રીતે વાતો કરવી જોઈએ, જિંદગીને કઈ રીતે જોવી જોઈએ, આપણને ખુદને તથા અન્ય લોકોને તેમજ સમગ્ર દુનિયાને કઈ રીતે મૂલવવી જોઈએ, એ તમામ બાબતો આપણી પરંપરા નક્કી કરે છે.
ભાગ્યે જ કોઈને સમજાઈ હોય એવી અને મોટા ભાગે જેને ખોટી રીતે સમજવામાં આવે છે, એવી પરંપરાના આધારે જ દરેક બાબતને પરંપરાના ત્રાજવે તોળવામાં આવે છે. આપણાં દરેક સાચા-ખોટા કામને યોગ્ય ઠેરવવા માટે પરંપરાનો ઢાલ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે પરંપરા અને રીતિરિવાજો આપણા સમાજમાં વર્ષોથી મૌખિક રીતે પેઢી દર પેઢીને વારસામાં મળ્યાં છે તથા જેના માટે નથી કોઈએ પ્રશ્નો કર્યા કે નથી એની પાછળ રહેલાં કારણો જાણવાની કોશિશ કરી.
દાખલા તરીકે આપણે માથે લગાવાતા ચાંદલાની વાત કરીએ તો, આપણે ચાંદલા શા માટે લગાવીએ છીએ? ઘણાં લોકો અને એમાં પણ મૂરખ લોકો તરત કહેશે, આ તો લગ્ન કર્યાની નિશાની છે. તો પછી નાની બાળાઓ શા માટે ચાંદલા કરતી હોય છે? જયારે અમુક લોકો એવું મતંવ્ય આપે છે કે ચાંદલો એ શ્રંગારનો એક ભાગ છે, તો કેટલાક માટે તે જાતિની ઓળખ છે. જયારે વાસ્તવિકતા તો એ છે કે ચાંદલા લગાવવા પાછળનું કારણ એકદમ વૈજ્ઞાનિક છે.
પૌરાણિક કાળમાં આપણા ઋષિઓ પિરયુટરી ગ્રંથિને ત્રીજી આંખ તરીકે ઓળખાવતા. આ ભાગ શરીરનાં અંગોનું અને ઇન્દ્રિયોનું સંચાલન કરે છે. ઋષિઓને ખબર હતી કે આ ભાગને ઠંડો રાખવો જરૂરી છે. જેથી કરીને તેઓ એ જમાનામાં માથે ચંદનનું તિલક જરૂર લગાવતા. જેથી તેમની ગ્રંથિ પર દબાણ આવતું અને તેનાથી તેમનું મન શાંત રહેતું. જૂના જમાનામાં લોકો દિવસની શરૂઆત મંદિરમાં દર્શનથી કરતાં અને ત્યાર બાદ માથે તિલક લગાવવામાં આવતું. (મને નથી લાગતું કે ચોટાડવાના ચાંદલા અને કલરવાળા ચાંદલાથી આવો કોઈ ઉદ્દેશ પાર પડે છે!)
મનુષ્ય જે ઘરેણાં પહેરે છે, એનો પણ વિજ્ઞાન અને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. પણ સમય જતાં એને પણ લગ્ન અને સામાજિક પ્રતિષ્ઠા સાથે સાંકળી લેવામાં આવ્યા. પગમાં પહેરેલાં ચાંદીના ભારે સાંકળા શરીરને અને ખાસ કરીને પગને દુખાવાથી મુકત રાખે છે. અને એ વ્યકિતને આર્થરાઇટિસ જેવી બીમારીથી દૂર રાખે છે. તેવી જ રીતે કાન વીંધાવાની પરંપરા ગામડાનાં સ્ત્રી-પુરુષોમાં ખૂબ સામાન્ય છે. કાન વીંધવાનો સંબંધ સીધી રીતે આપણા શ્વસન તંત્ર સાથે હોય છે. કાન વીંધવાથી શ્વાસને લગતી બીમારીઓ થતી નથી. અસ્થમાના ઉપચારમાં પણ એકયુપંચર દ્વારા કાનની એ જગ્યાએ સોય ભોંકવામાં આવે છે. એટલે કાન વીંધવા પાછળ વિજ્ઞાન અને પરંપરાગત રીત-રિવાજોનો અદ્ભુત સમન્વય છે.
પણ આપણા ઘણા એવા રિવાજો છે, જે આજના જમાનામાં ખોટા અને હાનિકારક પુરવાર થયા છે. આપણે એને સમજીને આપણા સમાજમાંથી દૂર કરવાની જરૂર છે. આ બધામાંનો એક કુરિવાજ હજુ પણ છોટાઉદેપુરના ભીલોમાં જોવા મળે છે, એમના રિવાજ પ્રમાણે ગર્ભવતી સ્ત્રીને લીલા શાકભાજી, દૂધ અને તાજા ફળોનું સેવન કરવા દેવામાં આવતું નથી, તેઓ માને છે કે આનાથી ગર્ભમાં રહેલા બાળકને ગ÷સ થઈ જાય છે. આ કુરિવાજને કારણે ત્યાં ગર્ભવતી સ્ત્રી અને એમના નવજાત બાળકોનો મત્યુ દર ઘણો ઊચો છે. ત્યાંની ગર્ભવતી સ્ત્રીઓ મોટા પ્રમાણમાં એનિમિયાનો શિકાર બની જતી હોય છે અને કુપોષણથી નવજાત બાળક જન્મના પ્રથમ વર્ષની અંદર જ મરી જતું હોય છે. આવી જ રીતે નવજાત બાળકને માતાનું પ્રોટીનથી ભરપૂર દૂધના બદલે ‘ગળથૂથી’ આપવામાં આવે છે. જે મોટેભાગે ગંદા પાણીમાંથી બનાવવામાં આવે છે.
આવી અનેક પરંપરા-રિવાજો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. આવી પરંપરા-રિવાજો પર ફેરવિચારણા કરીને તેને દૂર કરવા જોઈએ. સમાજ, જાતિ અને ધર્મ સાથે સંકળાયેલા અને રૂઢિચુસ્ત રિવાજોને દૂર કરવાની જરૂર છે. આપણે એક પ્રગતિશીલ સમાજ બનવા ઇરછીએ છીએ ત્યારે આપણે આવા રિવાજોનું વિશ્લેષણ કરી તેને વહેલી તકે દૂર કરવા જોઈએ.ઘણા આફ્રિકન ઇસ્લામિક દેશોમાં આજે પણ નાની છોકરીઓને પોતાના જનનાંગોને ધાર્મિકવિધિના નામે કપાવવાની ફરજ પાડવામાં આવે છે. આ ધ્ૃણાસ્પદ પ્રક્રિયા સ્થાનિક મૌલવી કે ભૂવાની હાજરીમાં ગંદા ચપ્પુ દ્વારા કરવામાં આવે છે. આને લીધે ઘણી માસૂમ બાળા જિંદગીથી હાથ ધોઈ બેસે છે. તો ઘણી યુવતીઓએ તેની પીડા આજીવન સહેવી પડે છે. આ ક્રૂર પરંપરાને રોકવા માટે ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સ્વૈરિછક સંસ્થાઓ આગળ આવી છે અને સક્રિય પ્રયાસ કરી રહી છે.
આપણા દેશમાં પણ એવી ઘણી પરંપરા છે કે જે વિજ્ઞાન સાથે સમન્વય ધરાવે છે, તો ઘણા રિવાજો એવા પણ છે કે જેને નાબૂદ કરવા ખૂબ જ જરૂરી છે. આજે આપણો દેશ એટલો તો પરિપકવ હોવો જોઈએ કે જે ખરાબ રિવાજોને જડથી દૂર કરી દે, તો જ આપણે સાચા અર્થમાં સભ્યસમાજના લોકો કહેવાશું.
Name:
Email ID:
Comments:
Code: