Gujarat
Baroda City Baroda City આઇપીસીએલમાં નોકરી કરતા સહકર્મચારીએ નાણાંભીડ હોવાનું જણાવી લીધેલા રૂ.૬૦ હજાર પરત ન કર્યા હોવાની ફરિયાદ જે.પી.રોડ પોલીસ મથકે નોંધાઇ હતી. નાણાંના બદલમાં ૬૦૦ શેર આપવાનો કરાર કર્યા બાદ સહકર્મચારીએ જાણ બહાર શેર વેચી દીધા હતા અને ઉછીનાં નાણાં પણ પરત કર્યા ન હતાં.
વિગતો અનુસાર તાંદલજાના અપેક્ષા પાર્કમાં રહેતા ઉસ્માનગની યુસુફભાઇ રંગપરિયા આઇપીસીએલ કંપનીમાં ફરજ બજાવે છે. તેમની સાથે કંપનીમાં ફરજ બજાવતા રમેશભાઇ ડાયાભાઇ હરિજન (રહે. શોભા પાર્ક, રણોલી)એ સને ૨૦૦૪માં નાણાંની જરૂરિયાત હોવાનું જણાવી ઉસ્માનગની પાસેથી રૂ. ૬૦ હજાર ઉછીના લીધા હતા. આ નાણાંના બદલમાં આઇપીસીએલ કંપનીના રમેશના નામના ૬૦૦ શેર લોકિંગ પિરિયડ પૂરો થતાં ઉસ્માનગનીના ડિમેટ એકાઉન્ટમાં જમા કરાવવાનો વેચાણકરાર કરી આપ્યો હતો.
દરમિયાન રમેશભાઇએ કંપનીમાંથી વીઆરએસ લઇ લીધું હતું. બીજી તરફ શેરનો લોકિંગ પિરિયડ પૂરો થયા બાદ પણ ઉસ્માનગનીના ડિમેટ એકાઉન્ટમાં શેર જમા નહીં થતાં તેમણે તપાસ કરી તો ખબર પડી કે કંપનીમાંથી રમેશે શેર લઇ આઇસીઆઇસીઆઇ બેંકમાં તારણમાં મૂકી લોન લીધી હતી.
જોકે લોન પણ ભરપાઇ કરી શેર રમેશે બારોબાર અન્ય શખ્સને વેચી દીધા હોવાનું સપાટી પર આવ્યું હતું. ઉછીનાં લીધેલાં નાણાં પાછાં નહીં આપી અને શેરનો વેચાણ કરાર કરી અન્યને વેચી દેનાર રમેશભાઇ સામે ઉસ્માનગનીએ જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ મહીડા અને રાઇટર જયેશભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.
Name:
Email ID:
Comments:
Code: