Literature
Dharma ane Adhyatma Dharma ane Adhyatma
અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદનો માહોલ દર્શનીય હોય છે. આબાલવૃદ્ધ સહુ કોઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા પહોંચી જાય છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની ૧૩૧મી રથયાત્રા ચોથી જુલાઈ, ૨૦૦૮ના રોજ જગન્નાથજી મંદિર, જમાલપુર દરવાજેથી નીકળશે. આ દિવસે એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજી નાના-મોટા સહુ કોઈની ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ નીકળે છે. લગભગ ૧૮ કિલોમીટર લાંબી રથયાત્રા ‘જય રણછોડ, માખણ ચોર’ તથા ‘હાથી, ઘોડા, પાલખી, જય કનૈયા લાલ કી’ ના જયઘોષ ગુંજી ઊઠે છે. ૧૬ ગજરાજ, આશરે ૧૦૦ ટ્રકો, ૩૦ અખાડા સાથેની આ ભવ્ય રથયાત્રા જોવી તે પણ એક વિશિષ્ટ લહાવો છે.
રથયાત્રાના ઇતિહાસ તરફ નજર નાખીએ તો તેનો પ્રારંભ ઈ.સ.૧૮૭૮માં થયો હતો ત્યારે તત્કાલીન મહંત નરસિંહદાસજી હતા. અષાઢી બીજના દિવસે નીકળતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પોતાના રથમાં બિરાજિત થઈને નીકળે છે. આ રથના પણ વિશિષ્ટ નામ છે. જેમકે ભગવાન જગન્નાથજી જે રથ પર બિરાજમાન થાય છે, તેનું નામ ‘નંદીઘોષ’ છે. બહેન સુભદ્રાના રથનું નામ ‘કલ્પઘ્વજ’ છે અને ભાઈ બલભદ્રના રથનું નામ ‘તલઘ્વજ’ છે. રથયાત્રાની શરૂઆતમાં આ ત્રણેય રથ નાળિયેરીના લાકડામાંથી બન્યા હતા. અત્યારે આ રથ સાગનાં લાકડાના બનેલા છે.
રથયાત્રામાં ભગવાનના રથ ખેંચવા તે પણ એક વિશિષ્ટ લહાવો છે. ઈ.સ.૧૮૭૮થી આ રથ ખલાસભાઈઓ જ ખેંચે છે. તેની પાછળ પણ રસપ્રદ વિગતો છે. જેની માહિતી આપતા જગન્નાથજી મંદિરના મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે તત્કાલીન મહંત નરસિંહદાસજીએ જયારે રથયાત્રા શરૂ કરવાની ઈરછા વ્યકત કરી ત્યારે આ સમાચાર ભરૂચ પહોંરયા અને ભરૂચના ખલાસભાઈઓએ નાળિયેરીના લાકડામાંથી ભગવાનના ત્રણેય રથનું સુંદર નિર્માણ કરીને મહંતને તે ભેટમાં આપ્યા. આ પ્રસંગે જગન્નાથજીના ભકતોમાં એક ખલાસ માતા પણ ઉપસ્થિત હતાં. તેમણે મહંત નરસિંહદાસજીને વિનંતી કરી કે રથયાત્રાના દિવસે ત્રણેય રથ ખેંચવાની સેવા અમારા પુત્રોને સોંપીને અમને કૃતાર્થ કરો. આ સાંભળી મહંતે તેમની આ વિનંતીનો સહર્ષ સ્વીકાર કર્યો. ત્યારથી આજ સુધી અષાઢી બીજની રથયાત્રાના પવિત્ર દિવસે ભગવાનના ત્રણેય રથ ખેંચવાની સેવા ખલાસભાઈઓ કરે છે.
૧૩૧મી રથયાત્રા આ વર્ષે નીકળશે પરંતુ કયારેય એવું નથી બન્યું કે રથયાત્રા એક પણ વર્ષ બંધ રહી હોય. માત્ર વર્ષ-૧૯૮૫માં એવું થયું હતું કે કોમી તોફાન થયા ત્યારે રથયાત્રા લગભગ બંધ રહે તેવી સ્થિતિ હતી અને તત્કાલીન મહંત સેવાદાસજીએ કહ્યું કે જૉ જગન્નાથજીને નગરયાત્રાએ નીકળવું હોય તો જગતની કોઈપણ તાકાત તેને અટકાવી ન શકે.
આ અંગેની વિગતો એવી છે કે વર્ષ-૧૯૮૫માં કોમી તોફાનોને કારણે રથયાત્રાની પરવાનગી નહોતી મળી ત્યારે નક્કી થયું હતું કે જગન્નાથજી મંદિરની બહાર ભગવાનના રથ મુકાશે અને દર્શનાર્થીઓ રથનાં દર્શન કરીને અહીંથી જશે. એ દિવસે પરંપરા મુજબ હાથીઓ રથના દર્શનાર્થે આવ્યા અને અચાનક જ રથને દાંતથી ખેંચીને છેક મંદિર પાસે આવેલ પોલીસ ચોકી સુધી દોરી ગયા. ત્યારબાદ પરવાનગી પછી રથયાત્રાનો પ્રારંભ થયો અને અને શાંતિપૂર્ણ આ રથયાત્રા પસાર થઈ હતી અને લોકો સ્વયંભૂ રીતે તેમાં જૉડાઈ ગયા હતા અને રથયાત્રાની પરંપરા આજ દિન સુધી અખંડિત બની રહી છે. રથયાત્રામાં ૧૬ જેટલા ગજરાજ જોડાય છે. ગજરાજની રસપ્રદ વિગતો એવી છે કે રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારથી જ તેઓ રથયાત્રામાં જોડાય છે. એટલું જ નહીં રથયાત્રાના દિવસે ભગવાનના રથનાં દર્શન સૌપ્રથમ હાથીઓ જ કરે છે ત્યારબાદ જ રથયાત્રા નીકળે છે.
આ પરંપરાગત રથયાત્રા મહોત્સવનો પ્રારંભ જેઠ સુદ પૂનમે થાય છે. આ દિવસે જલયાત્રા નીકળે છે. એટલે કે સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરેથી વિધિપૂર્વક જળ ભરવામાં આવે છે. ત્યારબાદ આ જળથી ભગવાનને વૈદિક મંત્રોરચાર સાથે અભિષેક કરવામાં આવે છે તથા શૃંગાર થાય છે. ત્યારબાદ ભગવાન મોસાળ જાય છે. આ દિવસથી મંદિરમાં ભગવાનનાં વિગ્રહનાં દર્શન થતાં નથી પરંતુ ભગવાનના ફોટા મૂકવામાં આવે છે. ૧૫ દિવસ સુધી ભગવાનનાં વિગ્રહનાં દર્શન ન થયા હોઈ આ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ મંદિરમાં જામે છે. રથયાત્રા મહોત્સવમાં બીજો મહત્ત્વનો ઉત્સવ જેઠ સુદ અમાસના દિવસે થાય છે. જેમાં ભગવાનને નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. એટલે કે આ દિવસે મોસાળમાં ભગવાને કેરીઓ વધુ ખાઈ લીધી હોવાથી તેમને આંખ આવી જાય છે, તેવા ભાવ સાથે તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. આ દિવસે ભગવાન નિજ મંદિરે પરત ફરતા સાધુ-સંતો માટેનો ભંડારો યોજાય છે. જેમાં કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ હોય છે. કાળી રોટી એટલે માલપૂઆ અને ધોળી દાળ એટલે દૂધપાક.
ત્યારબાદ અષાઢ સુદ એકમના દિવસે રથપૂજન થાય છે અને શુભ મુહૂર્તમાં ત્રણ રથ નિજમંદિરમાં લાવીને વૈદિક મંત્રોરચાર સાથે રથનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. જયારે અષાઢ સુદ બીજના દિવસે સવારે ૪.૦૦ વાગ્યે મંગળા આરતી થાય છે. આ દિવસે ભગવાનની આંખના પાટા ખૂલી જાય છે અને ત્યારબાદ ભગવાનને વિશિષ્ટ મહાભોગમાં ખીચડાનો પ્રસાદ ધરાવાય છે. જેમાં ખીચડો, કોળા, ગવારનું શાક અને દહીં હોય છે. મંગળા આરતી બાદ શુભ મુહૂર્તમાં ભગવાનનો રથમાં પ્રવેશ થાય છે ત્યારબાદ જેમાં સોનાની સાવરણી દ્વારા પહિન્દ વિધિ યોજાય છે. એટલે કે આ વિધિ જગન્નાથપુરીમાં રાજા કરે છે જયારે અહીં રાજયના મુખ્યપ્રધાન આ વિધિ કરે છે.
ત્યારબાદ મુખ્યપ્રધાન જ રથને ખેંચીને બહાર લાવે છે અને રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ થાય છે. આ રથયાત્રા પરંપરાગત માર્ગોમાં ફરીને સાંજે નિજમંદિરે પરત આવે છે. રથયાત્રા મઘ્યમાં ભગવાનના મોસાળ એટલે કે સરસપુર ખાતે વિરામ કરે છે. રથયાત્રાના વિરામ સમયે દોઢ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ રથનાં દર્શન કરવા અમદાવાદની આજુબાજુના ગામમાંથી મટી પડે છે. આ રીતે વહેલી સવારે ૭.૦૦થી મોડી સાંજ સુધી રથયાત્રામાં જોડાતા ભકતો ભગવાનની નગરચર્યામાં જોડાયાનો આનંદ મેળવીને પોતે ધન્ય થયા હોય તેવો અનુભવ કરે છે.
જગન્નાથ મંદિરનું વિશિષ્ટ ‘સિંહદ્વાર’
જગન્ન્ાાથજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને ‘સિંહદ્વાર’ કહેવામાં આવે છે. અત્યારે જે ‘સિંહદ્વાર’ છે તે નવું નિર્માણ પામેલું છે અને તેનું નિર્માણ સુરક્ષા વ્યવસ્થાને ઘ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. જૂના પ્રવેશદ્વારની પહોળાઈ ૧૬ ફૂટની હતી તેના બદલે આ નૂતન પ્રવેશદ્વારમાં ૨૫ ફૂટની પહોળાઈ છે. જયારે ઊંચાઈ જે ૧૯ ફૂટ હતી તે ૨૨ ફૂટની છે. જેના કારણે રથયાત્રા દરમિયાન ભગવાનના રથની ધજા દ્વારને અડતી હતી અને રથયાત્રાના દિવસે ભગવાનના રથ નીકળે ત્યારે જે પ્રમાણમાં ધક્કા-મુક્કીનો સામનો કરવો પડતો હતો તે ધસારો ઓછો થયો છે. આ ‘સિંહદ્વાર’નું નિર્માણ રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરથી કરાયું છે. આ ‘સિંહદ્વાર’ પર શરણાઈની સૂરાવલી વહે તે માટે શરણાઈવાદકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિરમાં મંગળા આરતી સમયે શરણાઈની સૂરાવલીઓ થાય છે. પહેલાં તો મંગળા આરતી સમયે કેસેટ મૂકવામાં આવતી પરંતુ હવે મંગળા આરતી સમયે શરણાઈ વાદન થાય છે જેનાથી સંગીતની પરંપરા પણ જીવંત થઈ છે. ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાને ઘ્યાનમાં રાખીને ઈન બિલ્ટ મેટલ ડિટેકટર અને સ્કેનિંગની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
રથયાત્રાની વિશેષતા ઉપરણાનો પ્રસાદ
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિશેષતા એ છે કે મંદિરની પ્રસાદી તરીકે ઉપરણા આપવામાં આવે છે.
આ અંગે મંદિરના મહેન્દ્રભાઈ ઝા જણાવે છે કે રથયાત્રાની વિશેષતા આ ઉપરણાનો પ્રસાદ છે. જગન્નાથજી, સુભદ્રા અને બળદેવ જયારે મોસાળથી નિજમંદિરે પધારે છે ત્યારે તેમને આંખો આવી જાય છે ત્યારે નેત્રોત્સવ વિધિ થાય છે. આ વિધિ દરમિયાન આંખે પાટા બાંધવામાં આવે છે. આ પાટા બાંધવાથી ભગવાનની આંખો સારી થઈ જાય છે. આમ ભગવાનને જે પાટાથી સારું થઈ ગયું તેને જ પ્રસાદ રૂપે મંદિર દ્વારા આ ઉપરણા પ્રસાદ તરીકે આપવામાં આવે છે. જયારે લોકવાયકા અનુસાર એવું પણ કહેવાય છે કે મહાભારત સમયે શ્રીકૃષ્ણને આંગળીએ વાગ્યું ત્યારે દ્રૌપદીએ પાટો બાંધી આપ્યો હતો. તેની યાદમાં પણ આ ઉપરણા આપવામાં આવે છે.
રથયાત્રાની શરૂઆત થઈ ત્યારથી જ પ્રસાદરૂપે આ ઉપરણા આપવામાં આવે છેે. સવા લાખ ઉપરણા તૈયાર કરવા માટે ૨૫ હજાર મીટર કાપડ વપરાય છે. વર્ષોથી એક જ જગ્યાએ આ બનતા હોવાથી તેના રંગમાં કોઈ ફેરફાર થયો નથી. આ ઉપરણાની તૈયારી માટે લગભગ દોઢ મહિનાથી કામગીરી શરૂ થઈ જાય છે. આ ઉપરણા મંદિરમાં જ બનાવવા માટે મંદિરના ગુરુકુળના ઋષિકુમારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે.
Name:
Email ID:
Comments:
Code: