Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

કવિ-ઋષિની કવિતા

વસંત

કેટલાંય વ્હાલ થકી આલેખે

ધૂળ પર પોતીકાં ગીતને વસંત;

વેશ મહીં નવાનવા એથી તો

હસી ઠે ધરતીની ધૂળનો ઉમંગ!

કાજળડે કોડ કેવા કોળે કે છલકે છે આપમેળે રૂપાળી ડાળ;

લાગ્યો છે એવો ને એવો

પરશ અંતરમાં ડે રસાળ.

મ્હોરી ઉઠે છે મારો આખો અવતાર એવી અમરતની વાણી અનંત!

કેટલાંય વ્હાલ થકી આલેખે

ધૂળ પર પોતીકાં ગીતને વસંત!

વારંવાર આનંદે પુલકે છે અંગ,

કોની જાગે છે પ્રાણ મહીં માયા?

વણગાયાં ગીત આજ ઊમટે છે કંઠમાં,

કોણે પીયૂષ એવાં પાયાં?

કોમળ કૈં કળી કળી ફૂટે છે

ગીતની ને વેરે છે વનમાં સુગંધ!

કેટલાંયે વ્હાલ થકી આલેખે

ધૂળ પર પોતીકાં ગીતને વસંત!

- રવીન્દ્રનાથ ટાગોર (સુ. દ.)

કવિઓના કવિ ટાગોરની કવિતામાં વસંતનો વૈભવ છે અને પ્રથમ વર્ષા વખતે ધરતીની જે સોડમ આવે એ સુગંધ છે. ટાગોરે જેટલું લખ્યું છે એટલું વાંચવા માટે કે સમજવા માટે એક આયુષ્ય ઓછું પડે. એમની કલમને ગીતના લય સહજ છે. આશય અને અભિવ્યકિત એમની નોખી-અનોખી રહી છે. ભલે એ વાત વસંતની કરતાં હોય પણ એ વસંતની સાથેસાથે યૌવનની વસંતનો પણ સંકેત આપતા રહે છે. વસંતની હવા જ જુદી હોય છે. રંગરાગ અને પરાગની સૃષ્ટિ, કેસૂડાનું વર્ચસ્વ, ફૂલોનો વૈભવ, ધરતીની ધૂળ જાણે કે અબીલગુલાબ અને કંકુ થઈ જાય. વસંત પોતે જ ધરતીની ધૂળ પર નર્યા વહાલથી પોતાના ગીતને આલેખે. આ પ્રેમની શકિત છે. પ્રેમને કારણે ધૂળ પોતે પણ સુગંધિત થઈ જાય. આખી સૃષ્ટિ જાણે કે કળી અને કૂલના સ્મિતથી હસી ઠતી હોય અને એના સ્મિતમાં ધરતીનો ઉમંગ છલકાતો હોય.

વૃક્ષોની એક એક ડાળ આપમેળે રૂપાળી લાગે. ક્ષણે ક્ષણે સૌંદર્ય છલકે, હૃદયના મનોરથ ફૂલપાંદડે મલકે. હવા સમગ્ર ચૈતન્યને એવી રીતે સ્પર્શે કે અંતરમાં કંઈક રસભીનો સ્પર્શ થયા કરે. પંચેન્દ્રીય અને પ્રાણ મહોરી ઉઠે. આખું આયુષ્ય સાર્થક લાગે. વસંત એટલે જાણે કે ધરતીનું ચિરકાલીન યૌવન. એક ક્ષણમાં શાશ્વતીનો સ્પર્શ. જાણે કે ઈશાનો અંત જ નથી. આખા અવતાર પર અનંતની મુદ્રા લાગી છે.

સુખ તો આવે ને જાય. એ તો એક આવનજાવનની પરિસ્થિતિ છે પણ આનંદ સનાતન અવસ્થા છે. અંગઅંગમાં આનંદ છલકે, મલકે, ઝળકે છે. પ્રાણમાં કોઈકની માયા જાગે છે. એ કોઈ કદાચ કોઈ વ્યકિત હોય, કોઈ વિભૂતિ હોય, કોઈ પરમતત્ત્વ હોય પણ આ માયા જ મહત્ત્વની છે. આજ લગી ઘણાં ગીતો ગાયાં પણ આ વસંતના સ્પર્શે આજે કંઠમાં નહીં ગાયેલાં ગીતો એટલાં બધાં મટે છે કે એ કોનાં પ્રેરણા પીયૂષ છે એ જાણે કે અકળ રહસ્યની વાત છે. વનમાં તો વસંતનો વૈભવ છે પણ આ વૈભવ માત્ર વન પૂરતો નથી. સૌંદર્ય માણનાર મનુષ્યના મનમાં પણ ગીતની કુમળી કળીઓ એક પછી એક ફૂટતી રહે છે અને એ કળીની સુગંધ લોહીમાં લય થઈને વહેતી હોય છે. ટાગોર ઋતુઓના ઋતને, સત્યને જાણનાર, માણનાર કવિ છે. કવિઓમાં ટાગોર ઋષિ છે અને ઋષિઓમાં ટાગોર કવિ છે. આ કવિનું એક બીજું ગીત પણ સાથે સાથે માણી લઈએ:

અહો! મનોહર તમે કેટલાં

એક જ મન આ જાણે;

થર થર કંપે કૂણા અજંપે

મમ અંતર તવ ગાને!

પ્રભાતપ્હોરે વાદળ સાથે

તડકે માંડયો ખેલ;

ને નદીયુંની લહરલહરમાં

કિરણ કિરણની વેલ.

ન્યાળી તમને નયન સરોવર

છલકંતાં નવ તાને!

અહો! મનોહર તમે કેટલાં

એક જ મન આ જાણે!

કૂંપળ કૂંપળ ફૂલફૂલમાં

અંકાયું વન સ્મિત;

દલદલથી મખલખ પરિમલ

લઈ પવન થયો પુલકિત.

સુનીલ નભ લોચનિયેથી તવ

ઝરે સુધા મમ પ્રાણે!

અહો! મનોહર તમે કેટલાં

એક જ મન આ જાણે!



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: