Gujarat
Madhya Guajrat Madhya Guajrat રાજીનામા અને પાલિકા પ્રમુખને નોટિસ બાદ નવો વળાંક:એક ચેરમેન અને બે સભ્યોએ રાજીનામા પરત ખેંચી લેતા સોગઠાં ઊંધા પડયા : જિલ્લા ભાજપા પ્રમુખના પુત્ર અને અન્ય એક સદસ્ય પર પગલાં લેવા ભલામણ
દાહોદ નગર સેવા સદનની ‘ભવાઇ’ હવે બીજા અંકમાં પ્રવેશી ચૂકી છે. સદન પ્રમુખને નોટિસ બાદ રાજીનામાનો પ્રથમ અંક પૂર્ણ થઇ ગયો છે, ત્યારે બીજા અંકમાં ત્રણ રાજીનામા પરત ખેંચાયા છે અને જિલ્લા ભાજપ પ્રમુખના પુત્ર સહિત બે નગર સેવકો પર શિસ્તભંગના પગલાની ભલામણો થતાં ભાજપના ઘરનો ઝઘડો બજારમાં આવી ગયો છે.
દાહોદ નગર સેવા સદનમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે. થોડા દિવસો અગાઉ સંપન્ના થયેલી સાધારણ સભામાં ચેરમેનોની નિયુકિત બાબતે ભડકો થયા બાદ પાંચ ચેરમેન અને બે સમિતિના સભ્યપદેથી કુલ સાત સભ્યોએ રાજીનામાં ધરી દીધા હતા. ઉપરાંત આ રાજીનામા પહેલા જિલ્લા ભાજપા પ્રમુખે મનસ્વી રીતે ચેરમેનોની નિયુકિત બદલ નગર પ્રમુખને નોટીસ ફટકારી સ્પષ્ટતા પણ માંગી હતી. આ ઘટનાક્રમ પૂર્ણ થયા બાદ સમગ્ર પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો હોવાનું પક્ષનાં જ આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.
જેમાં જેઓએ રાજીનામા ધર્યા હતા તેવા શોપ કમિટિના ચેરમેન લતાબેન સોલંકી, અને અન્ય બે સમિતિના સભ્યો મનોજ પરમાર અને નાદીર કપૂરે રાજીનામા પરત ખેંચી લીધા હોવાની માહિતી સુમાહિતગાર વર્તુળો દ્વારા પ્રાપ્ત થઇ છે. આ ઉપરાંત જિલ્લા ભાજપા પ્રમુખના પુત્ર રાકેશ માળી અને આરોગ્ય સમિતિનું ચેરમેનપદુ ઠુકરાવનાર જીવણ રાજગોર સામે શિસ્તભંગના પગલાં ભરવા માટે શહેર સંકલન સમિતિએ જિલ્લા કક્ષાને ભલામણ પત્ર પાઠવી દીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ નગર સેવા સદનમાં ચમકેલી ચિનગારીની આગ હવે પ્રદેશ કક્ષા સુધી પ્રસરવાની સંભાવનાઓનો ઇનકાર કરી શકાતો નથી.
બીજી તરફ જિલ્લા મોવડીઓના સમર્થકો સામે જ શિસ્તભંગના પગલાંની તલવાર તોળાઇ રહી હોવાથી રાજકીય ફલક પર ઘણાં તર્કવિર્તક સર્જાયા છે. જિલ્લા ભાજપાના આંતરિક વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ ‘શીર્ષાસન’ની સ્થિતિમાં મુકાયુ હોવાથી એકચક્રીય શાસનનો અંત આવશે અને નવા યુગનો પ્રારંભ થવાની અટકળો પણ વહેતી થઇ છે.
નગર સેવા સદનના પ્રમુખ પદની મુદ્દત પૂર્ણ થવામાં ઝાઝો સમય બાકી નથી ત્યારે પ્રમુખપદની ખુરશીના સપનાં જૉનારા ઘણાંની સોગઠાબાજી ઉંધી વળી જતાં હાલ પૂરતા ‘બાવાના બેય બગડયા’ જેવા ઘાટ સર્જાયા છે.
Name:
Email ID:
Comments:
Code: