Literature
Navalika Navalika
અંતે આદિત્ય લગ્ન માટે સંમત થઇ ગયો! મનમાં ઉદ્વેગનો વંટોળ ચકરાતો હતો. લ્યૂસી સાથેનો પ્રેમસંબંધ પાંગર્યા વિના જ ઠીંગરાઇ ગયો એ વાત એના અસ્તિત્વને જાણે કે છિદ્રિત કરી રહી હતી. લ્યૂસી કિશ્ચિયન હતી. આદિત્યના ઘરનાને તેનો જરાય વાંધો ન હતો, પણ મોટી અડચણ બની ગયું લ્યૂસીનું પોતાનું જ કુટુંબ! તેના બે ભાઇઓ અને એક બહેન પૂરાં રૂઢિચુસ્ત. લ્યૂસીને ધમકી મળેલી કે જૉ તે આદિત્ય સાથે જૉડાશે તો તેના હાલહવાલ બૂરા થશે. બસ, ત્યારથી ગભરાયેલી લ્યૂસી ઘર છોડીને જ વડોદરા જતી રહેલી. તેના ઘરનાંયેય તેની દરકાર નહીં કરેલી.
આ ઘટના પછી આદિત્ય કોઇ યંત્રમાનવ જેવો બની ગયેલો. તેને જીવન નીરસ લાગ્યું. ઘરના લોકોને આદિત્યની ચિંતા સતત સતાવતી રહેતી. માતા અલકનંદા અને પિતા ઉમેદભાઇએ તેનામાં રસ લેવાનું શરૂ કર્યું અને વાતવાતમાં લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી દીધો. ઘરના સભ્યો કે મિત્રો તેમની ઇરછા મુજબ વ્યકિતએ લગ્ન કરી લેવાં એવી રઢ શીદ લગાવતા હશે એ આદિત્યને સમજાતું ન હતું.
પણ મારે આવું બધું શા માટે વિચારવું જૉઇએ? ઘરના લોકોએ ઇશાને જૉઇ નક્કી કરી હતી ને પછી મને બતાવી! ઇશાને જૉતાં મને કોઇ રોમાંચ નહોતો થયો. ઘરના એકાન્તમાં વાતચીત કરી ઔપચારિકતા પૂરી કરી. પરસ્પરનો પરિચય થયો. ઓરડામાંથી અલગ પડતી વખતે ઇશાએ આદિત્યનો હાથ પકડી હળવા સ્મિત સાથે કહેલું, ‘આઇ લવ યુ વેરી મચ!’
આ વાકય સાંભળતાં આદિત્યના ચહેરા પર સ્મિતની આછી ઝલક સળવળી રહી એ જ ક્ષણે અંતર બોલી ઠયું... કેટલી બોલ્ડ અને મોહક છે! એ સાથે જ એ શબ્દો લ્યૂસીના અવાજમાં પરિવર્તિત થઇ ગયા. ઝીણી ઝણઝણાટી એના શરીરમાંથી પસાર થઇ ગઇ! મન બળવો કરી પૂછી બેઠું... આદિ, તારી લ્યૂસીને સાવ જ વિસરી ગયો? હેં? ને તરત જ એ જ મન વળી એને ગોટે ચડાવવા લાગ્યું, શું પોતે આ યોગ્ય કરી રહ્યો છે? શું ઇશા મારા જીવનને પ્રેમમય બનાવશે? પણ હવે આવું બધું ઝાઝું વિચારવાનું ન હતું.
ટૂંકા ગાળામાં આદિત્ય અને ઇશા પરણી ગયાં. ઘરમાં અલકનંદાબહેનનો ઉત્સાહ દૂધના ઉભરાની જેમ ઉભરાતો થઇ ગયો. આદિત્યના નાના ભાઇ વરુણ સાથે ઇશાને સારું બનતું. વરુણ કરાટે શીખતો હતો... જયારે ઇશા કરાટેમાં બ્લેકબેલ્ટ ધરાવતી હતી ને પેલી નાની નેહાના મુખે તો દિવસના ઉજાસની જેમ શબ્દ ફૂટતો ‘ડિયર ઇશાભાભી ગુડમોિર્નંગ!’
‘ગુડમોર્નિંગ!’ ઇશા આછા મલકાટ સાથે રણકતા હાસ્યથી બોલી પડતી. બધું ઘર વ્યવસ્થિત ગોઠવાતું જતું હતું. શરૂ શરૂમાં તો આદિત્ય અને ઇશા વરચે સેન્ટીમીટરના માપે સંવાદો થતા એટલે જોનારને લાગતું કે આદિત્ય ઇશાથી અળગો રહેવા પ્રયત્ન કરે છે. અરે જૉનારને શું... ખુદ ઇશાને જ એવું લાગતું. એથી કેટલીકવાર તે સૂન થઇ જતી. અડોશપડોશના લોકોને લાગતું કે આ લોકોનું સમુસૂતરું ચાલશે નહીં... કે કયાંક કોકડું ગૂંચવાશે, તો કયાંક એવું લાગતું કે આદિત્ય ઇશાનો ગુલામ બની ગયો છે. તે ઇશાનો પડયો બોલ ઝીલે છે. હશે... આમ કરતાં ગાડી પાટે ચડશે.
થોડા દિવસોમાં તો ઇશાએ આખા ઘરને કિલ્લોલતું કરી દીધું. ઇશાની સેન્સ ઓફ હૃયુમરે તો અડોશપડોશમાંય ધેલું લગાડયું હતું. વરુણ તો ભાભી સાથે એટલો ભળતો કે તે જૉઇને લોકોના મનમાં કયાંક વહેમના વળ પણ ચડતા, તો કોઇના મુખે બોલાતું ‘વહુ તો આવી હોય ઘરને સ્વર્ગમાં ફેરવી દે’, તો એ વાતમાં કોઇ ટાપસી પૂરતું ‘પિયરનો મોહ રાખે તેવી વહુવારુને સ્વર્ગ જેવા ઘરને નરકમાં ફેરવતીયે જૉઇ છે.’ આવી બધી વાતો સાંભળતાં અલકનંદાબહેનના મનમાં વિચાર ઝબકી જતો... હે ભગવાન, મારા ઘરને કોઇની નજર ન લાગે... ઉમેદભાઇ માનતા કે ઇશા... ઇશ્વરની કૃપા... સાક્ષાત્ય...
આદિત્યને સ્ટેશનરી સપ્લાયનો નાનો બિઝનેસ હતો. એ કેટલીક કંપનીઓમાં સ્ટેશનરી સપ્લાય કરતો એટલે તેનો મિત્રવર્ગ ઠીક ઠીક મોટો હતો. આમ તો મોડી સાંજે કે રાત્રે એ ધેર આવતો પણ લગ્ન પછી તો સાત વાગ્યે અચૂક આવી જ જતો. આવે વખતે ઇશાની અને સાસુમાની આંખો મળતાં તે બંને મર્મમાં હસી લેતાં.
આદિત્ય-ઇશા ઘણીવાર સાંજે ફરવા જતાં. કયારેક પાર્ટીમાં જતાં. બંને સજીધજીને રૂમમાંથી બહાર નીકળતાં ત્યારે સેન્ટની વાદળી આખા વરંડામાં ઝરમરી રહેતી ત્યારે બાની આંખોમાં હરખનાં આંસુ ડોકાઇ જતાં. મનોમન તે બોલી રહેતી, ‘બેટા! તમારાં જીવનમાં આવી સુગંધ તરોતાજા રહેજો..!’
એક મિત્રની પાર્ટીમાં બંને ગયેલાં. કોર્નરના એક ટેબલ પર બંને ગોઠવાયાં હતાં ત્યાં આદિત્યનો અંતરંગ મિત્ર મુરલી ઝૂમતો ઝૂમતો આવ્યો. ખુરશી પર બેસતાં જ બફાટ કર્યો, ‘ભાભી... આદિને જાળવજો હોં... ઘાયલ પંછી છે!’
‘મુરલી, તને ચઢી છે તું ચૂપ બેસ!’
‘અરે યાર આદિ, આઇ એમ ફાઇન. કંઇ ચઢી નથી. આ તો તને પેલી લ્યૂસીનો થલો ન મારે તેથી ઇશાભાભીને આગાહ કરી રહ્યો હતો.’
ઇશા લ્યૂસીનું નામ સાંભળતાં અંદરથી હલબલી ગઇ. આદિત્યની આંખોએ એ નોંઘ્યું. તે તરત ભો થયો. મુરલીને હાથ પકડી બહાર લઇ ગયો. થોડીવારમાં પાછો આવ્યો ને ઇશાને લઇ પાર્ટીમાંથી બહાર નીકળી ગયો.
ઇશાએ કંઇ જ બન્યું નથી એવું વર્તન કર્યું. આદિત્યને મનમાં થયા કરતું કે લાવ ઇશાને કહી જ દઉં બધું, પણ ઇશા બીજી જ વાતોથી આદિત્યને ખુશ કરવા પ્રયત્ન કરતી હતી. પછી બે દિવસ પછી સાસુ અલકનંદાને ઇશાએ એકાંતમાં લ્યૂસી-વિશે પૂછ્યું. અલકનંદાના મોં પર ગભરાટના પડછાયા સળવળી રહ્યા ત્યાં અચાનક જ ઉમેદભાઇ આવી પહોંરયા. તેમને કાને ‘લ્યૂસી’ શબ્દ અથડાઇ ગયેલો એટલે તેમણે લાગેલું જ કહ્યું, ‘બેટા ઇશા, લ્યૂસી આદિત્યની પ્રેમિકા હતી. એ એને પરણવા ઇરછતો હતો પણ લ્યૂસીના ઘરવાળાને આ પસંદ ન હતું.’ થોડું અટકી ઉમેર્યું ‘અમને તો તે કિિશ્ચયન હતી તેનો કંઇ વાંધો ન હતો. સાંભળ્યું છે કે તે પછી તે ઘર છોડી કયાંક જતી રહી છે.’
ઇશા એકદમ અલકનંદાને વળગી પડી. બોલી, ‘મમ્મી, ખરેખર હું ભાગ્યશાળી છું કે મને આવા ખુલ્લા મનવાળાં મમ્મી-પપ્પા મળ્યાં છે.’
અલકનંદાબહેન અને ઉમેદભાઇ ઇશાને તાકી રહ્યાં. નેહા ને વરુણે પણ આ બધું સાંભળ્યું... જૉયું! પછી તો આ આખો પ્રસંગ પાણીના પરપોટા ફૂટે એમ આખા મહોલ્લામાં ફૂટી ગયો!
‘ઇશાભાભી!’ નેહાએ તેમને નજીક બોલાવી કહ્યું, ‘તમને લ્યૂસી અને આદિત્યની વાતનું માઠું તો નથી લાગ્યું ને?’
‘ઓહ ડિયર નેહા! તમે ધારો છો એ માટીની હું નથી’ એટલું બોલી ને એ ખડખડાટ હસી પડી. પછી ઉમેર્યું, ‘સમય આવ્યે ખબર પડશે.’
આ વાતને એકાદ અઠવાડિયું વીતી ગયું. ઘરમાં બધું નોર્મલ જ હતું. એ જ રીતે ઇશા બધાને વહાલ કરતી અને રાખતી.
આ વાતને થોડા દિવસ વહી ગયા.
એક દિવસ ઉમેદભાઇના સ્વર્ગ જેવા ઘરમાં કકળાટના અવાજના ધુમાડાના ગોટા ઘુમરાયા... ઇશા ઘરમાંથી વહેલી સવારે ભાગી ગઇ હતી. બધાના મુખે એક જ વાત ઘૂંટાતી... લ્યૂસી-આદિત્યની વાત જાણીને તે કદાચ ભાંગી પડી હશે. તેથી આ પગલું ભર્યું હશે. અલકનંદાબહેન અને ઉમેદભાઇનો તદ્દન સૂનમૂન થઇ ગયેલાં. અડોશ-પડોશના લોકો આવવા લાગ્યાં. ‘બોલો, ઘરમાં ભળી જઇ કેવી આબરૂ કાઢી’
‘મીઠડી! દાઝેલા આદિત્યને પૂરો દઝાડયો.’ કોઇએ રોષપૂર્ણ અવાજે કહ્યું, તો કોઇએ પૂછ્યું, ‘ઘરમાંથી શું લઇ ગઇ છે એ તો જરા જુઓ ભાઇ!’
તપાસ કરતાં ખબર પડી દરદાગીનાનો સેટ નથી. કપડાંમાં બે-ત્રણ કીમતી સાડી લઇ ગયેલી. કયાંકથી વાકય ફેંકાયું, ‘... બધું ઠીક પણ રૂપિયા-બુપિયાની ઇન્કવાયરી કરી?’
‘હા... હા વરુણ... તપાસ તો કર’
વરુણે તપાસ કરી. આવી કહ્યું, ‘દસ હજાર હતા... એમાંથી બે હજાર ઓછા થયા છે...!’ ઇશા દાગીના, બે-ત્રણ સાડી અને આમ બે હજાર રૂપિયા લઇ જાય...
પોલીસમાં ફરિયાદ કરવી કે ના કરવી એની ગડમથલ ચાલ્યા કરી. કોઇએ એના બાપાના ધેર ફોનથી ઇન્કવાયરી કરી... ત્યાંયે ન હતી એના કુટુમ્બીજનોય દ્વિધામાં પડયાં...
તો ઇશા ગઇ કયાં?
કોઇકે કહ્યું, ‘સમય જઇ રહ્યો છે. પોલીસમાં ફરિયાદ નોંધાવી દો.’
અલકનંદાબહેન હળવેથી બોલ્યાં, ‘ના... ભાઇ... મારું મન ના પાડે છે, રહેવા દો...’
વળી આ બાબતેય ઘરનું વાતાવરણ ડહોળાયું. આદિત્ય તો સાવ જ ચીમળાયેલા છોડ જેવો... ઘરમાં સૂન...
ચોથે દિવસે હજી તો સોસાયટી આળસ મરડી બેઠી થાય એ પહેલાં એક ટેકસી ઉમેદભાઇના ઘર આગળ આવી ખડી થઇ ગઇ. એના અવાજે બારીમાંથી, બાલ્કનીમાંથી, બારણામાંથી... લોકોનાં ડોકાં ડોકાયાં. ગાડીમાંથી ઝપાટાબંધ ઇશા તરી. જીન્સનું પેન્ટ અને કૂરતો પહેરેલી તે ખૂબ શોભતી હતી. તેના પછી એક સજીધજી દુલ્હન જેવી ફાંકડી-પાતળી નારી તરી. ઇશા તેનો હાથ પકડી તેને ઘરમાં લઇ આવી. ઉમેદભાઇનું ઘર લોકોથી ભરાઇ ગયું. તે પેલી દુલ્હનને લઇ ઉમેદભાઇ અને અલકનંદા પાસે લઇ ગઇ બોલી, ‘મમ્મી, પપ્પા... આશીર્વાદ આપો, એને.... ‘આ કોણ બેટા?’ ઉમેદભાઇથી પુછાઇ ગયું.
‘આ છે લ્યૂસી! આદિ આમ આવો... પકડો આનો હાથ... અને લઇલો વડીલોના આશીર્વાદ.’ ઇશાનું આ રૂપ જૉઇને બધાની આંખો પહોળી થઇ ગયેલી ને મોં સીવાઇ ગયેલાં.
‘બા, બાપુ નવાઇ લાગતી હશે હું આપણા ઘરની ખુશી માટે ગયેલી. મુરલી પાસેથી મેં આદિ અને લ્યૂસીની પ્રેમકહાણી જાણી લીધી. વડોદરામાં મારાં માસી ‘નારી ઉદ્ધાર કેન્દ્ર’ ચલાવે છે. હું એમને ત્યાં મળવા ગયેલી ત્યારે આ કેસ તેમણે મને કહેલો. મને બધું યાદ આવ્યું. મંે મનોમન નક્કી કર્યું કે લ્યૂસી અને આદિને એક કરવાં. બસ! ત્યાં ગઇ, માસીને બધી વિગત સમજાવી.’
ઇશા થોડું અટકી પછી કહ્યું, ‘ખબર છે, વરચે એક દિવસ હું મારી બહેનપણીને મળવા વડોદરા જાઉં છું એમ કહીને આખો દિવસ બહાર ગયેલી.’
‘હા, ઇશાભાભી! એ દિવસે હું મૂડલેસ રહી’તી... મને યાદ છે.’ નેહાએ ઇશાની વાતને ટેકો આપ્યો.
ઇશાએ હાસ્યના મધુર રણકા સાથે વાત આગળ ચલાવી, ‘મમ્મી, પપ્પા, એક વાત કહું, મને મારાં મા-બાપે વહુ તરીકે ઘરને જૉડવાના સંસ્કાર આપ્યા છે તોડવાના નહીં... આ ઘર મારું પોતાનું જ છે...’
‘તારી ભાવના સારી છે પણ બેટા, હવે તારું’ અલકનંદાબહેન બોલવા જતાં હતાં ત્યાં- ઇશાએ વરચે જ કહ્યું, ‘મમ્મી, તમે જરાય ચિંતા ન કરો. મારી માસીની મદદથી અને એમના વકીલની સલાહથી જ મેં આ બધું કર્યું છે. આદિ-લ્યૂસીનાં લગ્ન રજિસ્ર્ટડ થઇ શકે... મેં બધું ગોઠવ્યું છે!’
‘પણ બેટા તારું જીવન... તો’
‘પપ્પા, મારું જીવન આ ઘરમાં સલામત છે જ.’ પછી કશાય સંકોચ કે શરમ અનુભવ્યા વિના વરુણનો હાથ પકડી કહ્યું, ‘હું આ ઘર છોડી જવાની નથી. આપણે ભાર વિના જીવીશું.’ વરુણ તો આ સાંભળી નીચું જૉઇ મલકાયો. ઇશા બોલી...‘જાવ...ટેકસીમાંથી મીઠાઇનાં બોકસ છે તે લાવો...ને તેને ભાડું ચૂકવો.’
વરુણ ઉત્સાહમાં ગયો. મીઠાઇ આવી. બધાંના મોં મીઠાં કરાવ્યા. ભેગા થયેલા લોકોનાં મન મૂઢ થઇ ગયેલાં. આ બધું શું બની ગયું એની ગડમથલ અલકનંદાના મગજમાં ચાલતી હતી. તે સ્થિર હતાં ત્યાં ઇશાએ તેમના મોઢામાં મીઠાઇ મૂકતા કહ્યું- ‘મમ્મી, ઝાઝું ના વિચારો હું જે લઇ ગઇ હતી... તે લ્યૂસીના શરીર પર છે...’
‘ના બેટા... હું તો તારો વિચાર...’
‘મમ્મી...’ અલકનંદાબહેનને બાથમાં ભીંસતા ઇશા બોલી... ‘હું તો તમારી વહુ છું જ.’
‘ના બેટા... તું મારો વહુ-બેટો છે! સાચા અર્થમાં તેં આ ઘરને સ્વીકાર્યું છે... વહુ-બેટા!’ ત્યાં હાજર રહેલા લોકોની આંખમાં હેતના ટશિયાં ઝળકતાં હતાં. ઁ
Name:
Email ID:
Comments:
Code: