અમેરિકા સાથેની સંધી મામલે યુપીએ અને ડાબેરીઓ વચ્ચે અંતર વધી રહ્યું છે અને તેના કારણે મધ્યસત્ર ચૂંટણી માટેના કાઉન્ટડાઉનના અહેવાલો વચ્ચે યુપીએ અને ડાબેરીઓની સંયુક્ત સમિતિની મહત્વપૂર્ણ બેઠક આજે મળી હતી.
યુપીએ અને ડાબેરીઓની 15 સભ્યોની સમિતિની આ બેઠકમાં આગામી બેઠક 22મી ઓક્ટોબરના રોજ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલાં સમિતિની ત્રણ બેઠકો યોજાઈ હતી. જો કે તેમાં કોઈ ચોકક્સ તારણ આવ્યું નથી. આજની બેઠકમાં પરમાણું સંધીના સુચિતાર્થો અંગે વિચાર કરવામાં આવ્યો હતો. દરમિઆનમાં રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે ખુલાસો આપ્યો હતો કે સરકારને કોઈ ખતરો નથી. તેમણે મધ્યવર્તીની ચૂંટણીની શક્યતા પણ નકારી હતી.
એમ માનવામાં આવે છે કે સરકાર આંતરરાષ્ટ્રીય અણું ઉર્જા એજન્સી સાથેની વાતચીતને અટકાવવાની સ્થિતિમાં નથી પરંતુ આ બેઠકમાં સરકાર આંતરરાષ્ટ્રીય અણું ઉર્જા એજન્સી સાથે વાતચીત કરવા માટે ડાબેરીઓને સમજાવવામાં સફળ રહી નથી.
વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીના કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં આ સમિતિના તમામ 15 સભ્યોએ ભાગ લીધો હતો. વાતચીતનો આગામી તબક્કો 22મી ઓક્ટોબરના રોજ યોજાશે તેમ છતાં પણ સ્થિતિની સમીક્ષા કરવા માટે ડાબેરી નેતાઓની બેઠક મળશે. બંન્ને પક્ષોએ આજે ચર્ચા માટેના મુદ્દાઓની આપલે કરી હતી.
આ પહેલાં આ સમિતિના સંયોજક પ્રણવ મુખર્જીએ આજે માર્કસાવાદી પક્ષના નેતા પ્રકાશ કરાત અને સીતારામ યેચુરીને મળીને તેમને વિનંતી કરી હતી કે સરકારને આંતરરાષ્ટ્રીય અણું ઉર્જા એજન્સી સાથે વાત કરવા દેવી જોઈએ. તેમણે ડાબેરી નેતાઓને ખાત્રી આપી હતી કે વાતચીતના દરેક પાસા અંગે ડાબેરીઓને માહિતગાર કરાશે.
એમ કહેવામાં આવે છે કે ત્યારબાદ પ્રકાશ કરાત અને સીતારામ યેચુરી સોનિયા ગાંધીને પણ મળ્યા હતા અને તેના પગલે તેમણે મુખર્જીની વિનંતીને ફગાવી હતી. જો આજની બેઠકમાં યુપીએ અને ડાબેરીઓ પોતાના વલણને વળગી રહશે તો યુપીએ સરકાર માટે ખતરો ઉભો થઈ શકે છે.
Name:
Email ID:
Comments:
Code: