કેન્દ્ર સરકારે ભારત-અમેરિકા પરમાણું સંધિ સામે ડાબેરી પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓની તપાસ માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. પરમાણું સંધિનો અમલ કરતાં સમયે આ સમિતિના તારણોને ધ્યાનમાં લેવામાં આવશે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સમિતિ આ દ્વિપક્ષીય કરારના કેટલાંક પાસાઓ,આ 123 સંધિ પરના કાયદાના સુચિતાર્થો અને પરમાણું ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની તપાસ કરશે. થોડા દિવસો પહેલાં જ ડાબેરીઓએ ધમકી આપી હતી કે જો કેન્દ્ર સરકાર આ સંધિ રદ નહીં કરે તો તેઓ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેશે. જો કે જવાબમાં વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે ડાબેરીઓ પોતાનો ટેકો પાછો ખેંચી શકે છે પરંતુ કોઈ પણ રીતે હવે આ સંધિના મામલે પીછેહઠ કરવામાં આવશે નહીં.
કેન્દ્ર સરકાર અને ડાબેરીઓની મડાગાંઠના પગલે એવી શકયતા વ્યક્ત કરવામાં આવી હતી કે દેશમાં મધ્યવર્તી ચૂંટણી યોજાશે. જો કે હવે આ સમિતિની રચનાથી મધ્યવર્તી ચૂંટણી યોજાવાની શક્યતા નથી. સરકાર દ્વારા એમ જણાવવામાં આવ્યું નથી કે આ સમિતિમાં ડાબેરીઓના સભ્યોનો સમાવેશ કરાશે કે નહીં પરંતુ એમ માનવામાં આવે છે કે સમિતિ ડાબેરી નેતાઓને ટૂંક સમયમાં જ મળશે.
Name:
Email ID:
Comments:
Code: